ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતિમાં ભારતીય મહિલા ટીમ ૪૭૮ રનની મેળવી જંગી લીડ

મુંબઇ: નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય મહિલા ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઇ છે. ભારતનો પ્રથમ દાવ ૪૨૮ રનમાં સમાપ્ત થયો હતો. ટીમ ઈન્ડિયાએ શુક્રવારના સ્કોરમાં વધુ ૧૮ રન ઉમેર્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ ૧૩૬ રનમાં સમેટાઈ ગયો હતો. ભારતને ૨૯૨ રનની લીડ મળી હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે તેના બીજા દાવમાં છ વિકેટે ૧૮૬ રન કરી લીધા હતા. પૂજા વસ્ત્રાકર ૧૭ રન અને કેપ્ટન હરમનપ્રીત કૌર ૪૪ રન કરી અણનમ છે. ભારતીય મહિલા ટીમે અત્યાર સુધી કુલ ૪૭૮ રનની લીડ હાંસલ કરી લીધી હતી.
ઇંગ્લેન્ડે પોતાના પ્રથમ દાવમાં તેની છેલ્લી સાત વિકેટ માત્ર ૨૮ રનમાં ગુમાવી દીધી હતી. ઇંગ્લિશ ટીમ ફોલોઓન બચાવી શકી ન હતી. જોકે, ઈંગ્લેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપવાને બદલે ભારતીય ટીમે જ બીજી ઈનિંગમાં બેટિંગ કરી હતી.
ભારતીય ટીમની સ્થિતિ અત્યારે મજબૂત છે.
બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહી હતી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ૬૧ રનની ભાગીદારી કરી હતી. શેફાલી ૩૩ અને મંધાના ૨૬ રન કરીને આઉટ થઇ હતી. આ પછી યાસ્તિકા ભાટિયા નવ રન કરી આઉટ થઇ હતી. જેમિમાહ રોડ્રિગ્સે ૨૭, દીપ્તિ શર્મા ૨૦ રન કરી શકી હતી. સાથે જ સ્નેહ રાણા ખાતું પણ ખોલાવી શકી નહોતી. ઈંગ્લેન્ડ તરફથી ચાર્લી ડીને ચાર વિકેટ લીધી છે જ્યારે સોફી એક્લેસ્ટોને બે વિકેટ લીધી છે.
ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગની શરૂઆત સારી રહી ન હતી. સોફિયા ડંકલી અને કેપ્ટન હીથર નાઈટ બંને ૧૧-૧૧ રન કરીને આઉટ થઈ હતી. આ પછી ટેમી બ્યુમોન્ટ અને નેટ શીવરે ત્રીજી વિકેટ માટે ૫૧ રનની ભાગીદારી કરી હતી. બ્યુમોન્ટ ૧૦ રન કરી રનઆઉટ થઇ હતી. આ પછી દીપ્તિ શર્માએ ડેનિયલ વ્યાટને કેચ આઉટ કરાવી હતી. તે ૧૯ રન કરી શકી હતી. દીપ્તિએ ઇંગ્લેન્ડની ઇનિંગ્સની ૩૦મી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.