Paris Olympics 2024: ખરાખરીના ખેલોત્સવનાં ઐતિહાસિક ઓપનિંગની ઘડીઓ ગણાઈ રહી છે…
17 દિવસના રમતોત્સવમાં 206 દેશના 10,714 ઍથ્લીટ 329 ઇવેન્ટમાં મેડલ જીતવા કમર કસશે: આતંકવાદી હુમલાના ભય વચ્ચે 55,000 સલામતી રક્ષકોનો પહેરો
પૅરિસ: યુરોપના દેશ ફ્રાન્સના પાટનગર પૅરિસમાં 1,083 ફૂટ ઊંચા જગવિખ્યાત એફિલ ટાવરની નજીક સેન નદી પર અને એની આસપાસના ભાગોમાં શુક્રવાર, 26મી જુલાઇએ ‘પૅરિસ ઑલિમ્પિક્સ-2024’નો ભવ્ય અને શાનદાર આરંભ થશે. શુક્રવારની ઓપનિંગ સેરેમની (ભારતીય સમય મુજબ રાત્રે 11.00 વાગ્યાથી) અવિસ્મરણીય અને ઐતિહાસિક બની રહેશે.
ઑલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં પહેલી જ વાર ઓપનિંગ સેરેમની સ્ટેડિયમની બહાર યોજાવાની છે.
ખુદ ફ્રેન્ચ પ્રમુખ ઇમાન્યૂએલ મૅક્રોન પણ ઓપનિંગનો તૈયાર થયેલો તખ્તો જોઈને આશ્ર્ચર્યચકિત છે. તેમણે કહ્યું છે, ‘પહેલાં તો મને થયું હતું કે આ રીતે ખુલ્લામાં ઓપનિંગ સેરેમની રાખવી ઠીક ન કહેવાય અને આ આઇડિયા સારો પણ ન કહેવાય. જોકે હવે માહોલ અદ્ભુત લાગી રહ્યો છે.’
આ પણ વાંચો: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય સ્પર્ધકોનું શરૂઆતનું શેડ્યૂલ શું છે?
ફ્રાન્સના ઑલિમ્પિક્સના આયોજકો તેમ જ ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીના મોવડીઓને ખાતરી છે કે પૅરિસ ઑલિમ્પિક્સમાં અગાઉ કદી ન જોઈ હોય એવી ઓપનિંગ સેરેમની જોવા મળશે.
પૅરિસ ઑલિમ્પિક્સ 26મી જુલાઈથી 11મી ઑગસ્ટ સુધી ચાલશે. 17 દિવસના વિશ્ર્વના આ સૌથી મોટા રમતોત્સવમાં ભારત સહિત 206 દેશના કુલ 10,714 ઍથ્લીટો-ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તેઓ કુલ 32 પ્રકારની રમતની 329 ઇવેન્ટમાં પોતાની ટૅલન્ટ અને નસીબ અજમાવશે.
આ પણ વાંચો: નાનપણમાં પાણીથી ડરતી સ્વિમર ધિનિધી પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતની યંગેસ્ટ સ્પર્ધક
ભારતે આ વખતે ઑલિમ્પિક્સમાં પોતાના અગાઉ કરતાં સૌથી વધુ (117) ઍથ્લીટ-પ્લેયર્સ મોકલ્યા છે અને તેઓ 16 રમતોની હરીફાઈઓમાં ભાગ લેશે.
પૅરિસ સહિત ફ્રાન્સના કેટલાક શહેરોમાં વારંવાર આતંકવાદી હુમલા (ખાસ કરીને લોન-વૂલ્ફ અટૅક એટલે કે એકમાત્ર ટેરરિસ્ટનો આત્મઘાતી હુમલો) થતા રહેતા હોવાથી હજારો સલામતી રક્ષકોએ 10,700-પ્લસ સ્પર્ધકો તેમ જ લાખો પર્યટકો અને લાખો દેશવાસીઓના જાન-માલની રક્ષા કરવાની રહેશે. યુક્રેનમાં તેમ જ ગાઝા પટ્ટીમાં યુદ્ધ ચાલી રહ્યું હોવાથી એને લઈને પણ પૅરિસમાં હિંસક તોફાનો અથવા દેખાવો થવાની પાકી સંભાવના છે એટલે સિક્યૉરિટી ગાર્ડ્સે એ સંભવિત ઘટનાઓને પણ લક્ષમાં રાખવી પડશે.
આ પણ વાંચો: પૅરિસ પૅરાલિમ્પિક્સ પહેલાં જ ભારતને લાગ્યા ઝટકા…ત્રણ ઍથ્લીટ ડોપ ટેસ્ટમાં ફેલ
પૅરિસની ઓપનિંગ સેરેમની વખતે 45,000 પોલીસ તથા સ્વયંસેવકો તેમ જ 10,000 સૈનિકોના સમાવેશ સાથે કુલ 55,000 રક્ષકો દ્વારા સલામતીનો પાક્કો બંદોબસ્ત રાખવામાં આવશે.
પૅરિસમાં આ પહેલાં 1900ની સાલમાં અને પછી 1924માં ઑલિમ્પિક ગેમ્સ યોજાઈ હતી અને ત્યાર પછી બરાબર 100 વર્ષ બાદ ફરી આ રમતોત્સવ પૅરિસમાં યોજાઈ રહ્યો છે.
કોવિડ-19ને કારણે 2020માં ટોક્યો ઑલિમ્પિક્સ નહોતી યોજાઈ અને એના બદલે 2021માં પ્રેક્ષકોની હાજરી વગર ટોક્યોમાં આ રમતોત્સવની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. 2022ની વિન્ટર ગેમ્સ વખતે ચીનમાં લૉકડાઉન ચાલી રહ્યું હોવાથી રમતપ્રેમીઓને એ રમતોત્સવ પ્રત્યક્ષ નહોતો જોવા મળ્યો. જોકે 2016ની ઑલિમ્પિક્સ બાદ હવે પૅરિસમાં ફરી હજારોની સંખ્યામાં ઑલિમ્પિક્સપ્રેમી પ્રેક્ષકો જોવા મળશે.
શુક્રવારે લાખો લોકો પૅરિસની સેન નદી પર યોજાનારી ઓપનિંગ સેરેમની પ્રત્યક્ષ માણશે. એમાં 3,20,000 ટિકિટધારકો અને આમંત્રિતોનો સમાવેશ હશે.