સ્પોર્ટ્સમૅનઃ રોહિત-કોહલીના વિરાટ યુગનો અંત આવી રહ્યો છે!

અજય મોતીવાલા
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રવિવાર, 19મી ઑક્ટોબરે શરૂ થનારી ત્રણ મૅચની સિરીઝ બાદ આપણે વન-ડે મૅચોમાં પણ રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી કદાચ ક્યારેય નહીં જોઈ શકીએ. હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ અને આ બે દિગ્ગજોમાંથી કોઈના પણ સ્પષ્ટ સંકેત પણ નથી આવ્યા એમ છતાં આગામી શ્રેણી પહેલાં જે ભાવનાત્મક માહોલ બની રહ્યો છે એના પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ બન્ને જિનિયસ ખેલાડીઓ માટે આ વિશેષ સિરીઝ બનવા જઈ રહી છે.
જો આવું જ હશે તો ઑસ્ટ્રેલિયા સામેની આ વન-ડે શ્રેણી માત્ર એક સામાન્ય શ્રેણી નહીં, પણ એવી શ્રેણી બનશે જેમાં એકસાથે બે મહાન ક્રિકેટરના યુગનું સમાપન થશે.
રોહિત અને વિરાટની જોડીએ લગભગ દોઢ દાયકાની કરીઅરમાં એક દાયકા સુધી ભારતીય ક્રિકેટની વન-ડે દુનિયામાં એકચક્રી શાસન કર્યું છે. રોહિત-વિરાટ યુગે ભારતીય ક્રિકેટને ગૌરવ, અનુશાસન તથા આત્મવિશ્વાસની નવી પરિભાષા અપાવી છે. હવે આ બન્ને મહારથીઓ પોતાની કારકિર્દીના સંધ્યાકાળે છે અને ટીમ ઇન્ડિયા નવી ઊર્જાની સાથે શુભમન ગિલ યુગને આકાર આપી રહી છે. એટલે જ જો એમ કહેવામાં આવે કે આવનારા દિવસોમાં રોહિત-વિરાટ યુગના કિસ્સા ભૂતકાળ બની જશે તો એ અતિશ્યોક્તિ નહીં કહેવાય.
ભારતીય ક્રિકેટમાં 2010થી 2023-’24 સુધીનો સમયકાળ સૌથી પ્રભાવશાળી અને ભાવનાત્મક રહ્યો. વિરાટ કોહલીના બૅટમાંથી હંમેશાં ઝનૂનની ઝલક જોવા મળી અને તેની આંખોમાંથી આત્મવિશ્વાસ છલકતો જોવા મળ્યો. વન-ડે ક્રિકેટમાં વિક્રમજનક ત્રણ-ત્રણ ડબલ સેન્ચુરી ફટકારનાર રોહિત શર્માના ટાઇમિંગ અને કલાત્મક શૉટ્સની તો વાત જ શું કરવી! આ બન્નેએ મળીને ભારતીય ટીમને ચેઝ માસ્ટર' અને
રન મશીન’ના યુગમાં બદલી નાખી.
એક તરફ વિરાટ જીતવાની ભૂખ સાથે મેદાન પર ઊતરે છે અને તેની ફિટનેસ વિશે તો પ્રશંસા કરીએ એટલી ઓછી છે. તેની ફિટનેસે ક્રિકેટરોને એક નવો રાહ બતાવ્યો છે. વન-ડેમાં 264 રનનો વિશ્વવિક્રમ ધરાવતા રોહિતે ફટકાબાજીને સહજતા, લહેજતપણું અને વિસ્ફોટકતા પ્રદાન કરી છે.
ઑસ્ટ્રેલિયા સામેની આગામી વન-ડે શ્રેણી પહેલાં વિરાટ કોહલીએ 302 વન-ડે મૅચોમાં કુલ 14,181 રન કર્યા જેમાં 183 રનની ઇનિંગ્સ સર્વોત્તમ છે. 57.88 તેની બૅટિંગ-ઍવરેજ છે અને 93.34 તેનો સ્ટ્રાઇક-રેટ છે. તેની 51 વન-ડે સેન્ચુરી વિશ્વવિક્રમ છે અને તે 74 હાફ સેન્ચુરી પણ ફટકારી ચૂક્યો છે. વન-ડે ક્રિકેટમાં ભારતે મેળવેલી જીતમાં કોહલીનું વિરાટ યોગદાન રહ્યું છે.
કારણ એ છે કે વિરાટની હાજરીવાળી 187 વન-ડેમાં ભારતે વિજય હાંસલ કર્યો છે. એ વિજયી વન-ડે મૅચોમાં તેની સેન્ચુરીની સંખ્યા 43 અને હાફ સેન્ચુરીની સંખ્યા 45 રહી છે. ખાસ વાત એ છે કે આ 187માંથી 107 ઇનિંગ્સ એવી છે જેમાં ભારતે લક્ષ્યાંક ચેઝ કરીને વિજય મેળવ્યો છે. આ ઇનિંગ્સમાં વિરાટે કુલ 5,998 રન કર્યા છે અને એ રન 88.20ની સરેરાશે તથા 96.55ના સ્ટ્રાઇક-રેટ સાથે બન્યા છે. તેનો હાઇએસ્ટ 183 રનનો સ્કોર પણ ટાર્ગેટ ચેઝ કરતી વખતે જ નોંધાયો હતો.
હવે ફરી રોહિત શર્માની વાત કરીએ તો તેણે 273 વન-ડેમાં 11,168 રન કર્યા છે. તેણે 264 રનનો વિશ્વવિક્રમ 2014માં શ્રીલંકા સામે નોંધાવ્યો હતો અને 11 વર્ષ થઈ ગયાં છતાં એ રેકૉર્ડ કોઈ તોડી નથી શક્યું. તે 48.76ની બૅટિંગ-સરેરાશ અને 92.80ના સ્ટ્રાઇક-રેટ સાથે ઑસ્ટે્રલિયા સામે રવિવારે શરૂ થનારી સિરીઝમાં ઝુકાવશે. 32 સેન્ચુરી અને 58 હાફ સેન્ચુરી તેની શાનદાર વન-ડે કરીઅરના ચમકતા આંકડા છે.
તેની 273માંથી 172 ઇનિંગ્સ એવી રહી છે જેમાં તેણે ભારતની જીતનો પાયો નાખ્યો હતો. એ દરમ્યાન તેની બૅટિંગ-સરેરાશ 58.17 હતી અને સ્ટ્રાઇક-રેટ 95.33 હતો. આ 172 વિજયી ઇનિંગ્સમાં તેની પચીસ સેન્ચુરી અને 39 હાફ સેન્ચુરી સામેલ હતી. તેણે 2014માં શ્રીલંકા સામે વિક્રમજનક 264 રન 225 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 173 બૉલમાં નવ સિક્સર અને 33 ફોરની મદદથી બનાવ્યા હતા અને એ મૅરથન ઇનિંગ્સ પણ વિજયી બની હતી.
આ યુગને `રોહિત-વિરાટનો યુગ’ એ કારણસર કહેવામાં આવે છે કે આ બન્ને મહારથીની માત્ર હાજરી જ ભારતની જીતની ગૅરન્ટી આપતી હતી. એવો પ્રભાવ આ મહારથીઓનો રહ્યો છે. રોહિત-વિરાટ એકસાથે રમ્યા હોય એવી 222 વન-ડેમાંથી 141 મૅચમાં તેમણે સાથે બૅટિંગ કરી હતી અને એમાં 72.76ની સરેરાશે વિરાટે 7,786 રન અને 58.66ની સરેરાશે રોહિતે 7,040 રન કર્યા હતા.
એ દરમ્યાન વિરાટ 183 રનની અને રોહિત 264 રનની પોતાની સર્વોત્તમ ઇનિંગ્સ રમ્યો હતો. જોડીમાં જે વન-ડે રમાઈ હોય એમાં વિરાટની 32 અને રોહિતની 23 સેન્ચુરી સામેલ છે. બન્ને મહારથીઓની હાજરીવાળી 82 વન-ડેમાં ભારતે લક્ષ્યાંક ચેઝ કરતી વખતે વિજય મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિરાટની હાજરીમાં જ રોહિતે ત્રણ-ત્રણ વિક્રમજનક ડબલ સેન્ચુરી (209, 264, 208) ફટકારી હતી.
ટૂંકમાં કહેવાનું એ છે કે બન્ને બૅટિંગ-લેજન્ડે પોતપોતાની રીતે તો ભારતને જિતાડ્યું જ હતું, જોડીમાં પણ તેમણે ટીમ માટે જીતના અનેક અવસર બનાવી આપ્યા હતા. રોહિત અને વિરાટે ગયા વર્ષે લગભગ એક સાથે ટી-20માંથી અને આ વર્ષે ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી અને હવે જ્યારે તેઓ વન-ડેમાં પણ જોડીમાં નહીં જોવા મળે તો તેમની ગેરહાજરી ટીમ ઇન્ડિયાને ખૂબ વર્તાશે અને કરોડો ક્રિકેટપ્રેમીઓ વિચારશે કે તેઓ વ્યક્તિગત રીતે તેમ જ જોડીમાં કેટલા બધા મહાન છે.