વેસ્ટ ઇન્ડિઝને સુવર્ણકાળ અપાવનાર ક્રિકેટ-લેજન્ડ્સને મળી સૌથી મોંઘી ગોલ્ડન જર્સી | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

વેસ્ટ ઇન્ડિઝને સુવર્ણકાળ અપાવનાર ક્રિકેટ-લેજન્ડ્સને મળી સૌથી મોંઘી ગોલ્ડન જર્સી

બર્મિંગમ (ઇંગ્લૅન્ડ): કોઈ ખેલાડી પોતાના દેશ કે પોતાના ફ્રૅન્ચાઇઝીની જર્સી પહેરીને એને ગોલ્ડ મેડલ કે ગોલ્ડન ટ્રોફી અપાવે એ આપણે ઘણી વાર જોયું અને સાંભળ્યું કે વાંચ્યું છે, પરંતુ પ્લેયરની જર્સી (Jersey) જ સોનાથી જડેલી હોય એ નવાઈની વાત કહેવાય.

વેસ્ટ ઇન્ડિઝના ચૅમ્પિયન અને લેજન્ડરી ક્રિકેટરો ક્રિસ ગેઇલ, કીરૉન પોલાર્ડ અને ડવેઇન બ્રાવો શુક્રવારે ઇંગ્લૅન્ડમાં શરૂ થયેલી વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL)માં 18 કૅરેટ સોનાથી જડેલી જર્સી પહેરીને રમશે એવી જાહેરાતથી આ ટૂર્નામેન્ટમાં ક્રિકેટપ્રેમીઓનો રસ વધી ગયો છે.

આપણ વાંચો: તૂને મારી એન્ટ્રીયાં રે…: સચિનના આગમનથી અમેરિકામાં ક્રિકેટની બોલબાલા વધશે…જાણો કેવી રીતે

આ આઇકૉનિક જર્સી 30 ગ્રામ, 20 ગ્રામ અને 10 ગ્રામ સોના (GOLD)થી બનાવવામાં આવી છે. આ પ્રકારની જર્સી બનાવવા પાછળનો આયોજકોનો આશય વીતેલા વર્ષોના કૅરિબિયન ખેલાડીઓ જેમ કે ક્લાઇવ લૉઇડથી માંડીને આધુનિક પેઢીના ક્રિસ ગેઇલ સુધીના આઇકન ખેલાડીઓનું ક્રિકેટ પ્રત્યેના બેમિસાલ યોગદાન બદલ સન્માન કરવાનો છે.

દુબઈ-સ્થિત લૉરેન્ઝ નામની લક્ઝરી બ્રેન્ડ દ્વારા આ ગોલ્ડન જર્સી ડિઝાઇન કરવામાં આવી છે. આ બ્રેન્ડની માલિકી ધરાવતી કંપનીએ એક જાણીતી ચૅનલના ગ્રૂપ સાથેની ભાગીદારીથી આ જર્સી બનાવી છે જે ખેલકૂદ જગતમાં વાઇરલ થઈ છે.

આપણ વાંચો: અશ્વિને એક વિકેટ લીધી અને ભારતીય વિક્રમ રચી દીધો, સોબર્સની બરાબરીમાં પણ આવી ગયો

ક્રિકેટ જગતની આ સૌથી મોંઘી જર્સી તરીકે ઓળખાય છે. ડબ્લ્યૂસીએલ ટૂર્નામેન્ટ બીજી ઑગસ્ટ સુધી ચાલશે. 16 દિવસની આ સ્પર્ધામાં કુલ છ ટીમ ભાગ લઈ રહી છે. એમાં ઇન્ડિયા ચૅમ્પિયન્સ, ઇંગ્લૅન્ડ ચૅમ્પિયન્સ, ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન્સ, વેસ્ટ ઇન્ડિઝ ચૅમ્પિયન્સ, પાકિસ્તાન ચૅમ્પિયન્સ અને સાઉથ આફ્રિકા ચૅમ્પિયન્સનો સમાવેશ છે.

વેસ્ટ ઇન્ડિઝ ચૅમ્પિયન્સની શનિવાર, 19મીની સાઉથ આફ્રિકા સામેની મૅચને બાદ કરતા બાકીની ચાર ટીમ સામેની મૅચનું શેડયૂલ આ મુજબ છેઃ (1) મંગળવાર, બાવીસમીએ ઇંગ્લૅન્ડ સામે (2) બુધવાર, 23મીએ ઑસ્ટ્રેલિયા સામે (3) શનિવાર, 26મીએ પાકિસ્તાન સામે અને (4) મંગળવાર, 29મીએ ભારત સામે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button