પાકિસ્તાનમાં પ્રેક્ષકોનું પાગલપણું, કૅપ્ટન આઉટ થતાં ખુશ-ખુશ થઈ ગયા!

લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટમાં હંમેશાં થોડા થોડા સમયે કંઈકને કંઈક વિચિત્રતા જોવા મળતી જ હોય છે અને રવિવારે એવી એક ઘટના બની જે વિશ્વભરના કરોડો ક્રિકેટપ્રેમીઓને ચોંકાવી શકે. વાત એવી છે કે વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં રવિવારે પહેલા દિવસે પાકિસ્તાન (Pakistan)નો કૅપ્ટન શાન મસૂદ (Shan Masood) લડાયક 76 રનના પોતાના સ્કોર પર સ્પિનર સુબ્રાયેનના બૉલમાં એલબીડબ્લ્યૂની અપીલમાં આઉટ અપાયો એ સાથે મોટા ભાગના પ્રેક્ષકો ખુશ થઈ ગયા હતા!
શાન મસૂદ ઘણા સમયથી પાકિસ્તાનનો ટેસ્ટ સુકાની છે. તેણે 93 રન કરનાર ઓપનર ઇમામ-ઉલ-હક સાથે બીજી વિકેટ માટે 161 રનની ભાગીદારી કરીને પાકિસ્તાનને મોટી મુસીબતમાંથી બચાવ્યું હતું.
જોકે શાન મસૂદ આઉટ થતાં જ મોટા ભાગના પ્રેક્ષકોએ ચિયર-અપ કર્યું હતું, કારણકે મસૂદની વિકેટ પડતાં પાકિસ્તાનીઓનો લાડલો બાબર આઝમ બૅટિંગમાં આવવાનો હતો.
બાબર આઝમ પાકિસ્તાનનો ભૂતપૂર્વ કૅપ્ટન છે અને લોકોએ સુકાની મસૂદના ભોગે બાબરને આવકાર્યો તો હતો, પણ બાબર માત્ર 23 રન કરીને સ્પિનર સાઇમન હાર્મરના બૉલમાં એલબીડબ્લ્યૂ થઈ જતાં તેના ચાહકો નિરાશ થયા હતા.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અસંખ્ય પ્રેક્ષકોને આ મૅચ જોવા માટે સ્ટેડિયમમાં મફત પ્રવેશ આપ્યો હતો. સાઉથ આફ્રિકને કૉમેન્ટેટર શૉન પોલૉકે માઇકમાં કમેન્ટ કરવી પડી હતી કે ` કોઈ આ ક્રાઉડને સમજાવે કે તમારે ક્યારેય તમારા કૅપ્ટન સાથે આવો દુર્વ્યવહાર ન કરવો જોઈએ.’
આપણ વાંચો : લાહોરમાં ક્રિકેટ, સરહદ પર તાલિબાન સાથે યુદ્ધ