સપ્ટેમ્બરના સતત ત્રણ રવિવાર એન્જૉય કરજો, કારણકે ભારત-પાકિસ્તાન વચ્ચે… | મુંબઈ સમાચાર

સપ્ટેમ્બરના સતત ત્રણ રવિવાર એન્જૉય કરજો, કારણકે ભારત-પાકિસ્તાન વચ્ચે…

કરાચીઃ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઇ)માં રમાનારા મેન્સ ટી-20 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક કે બે નહીં, પણ ત્રણ-ત્રણ ટક્કર થઈ શકે અને એ મૅચોની તારીખો જાહેર થઈ ગઈ છે. નવાઈની વાત એ છે કે ભારત-પાકિસ્તાનનો પ્રથમ મુકાબલો રવિવારના દિવસે થશે અને ત્યાર બાદ બન્ને દેશ સુપર-ફોર રાઉન્ડમાં સામસામે આવશે તો એ ટક્કર પણ પછીના રવિવારે જ થશે અને ફાઇનલ તો સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે નક્કી થઈ જ છે એટલે ભારત-પાકિસ્તાન ફાઇનલમાં પહોંચશે તો એમની વચ્ચેનો ત્રીજો હાઈ-વૉલ્ટેજ મુકાબલો પણ રવિવારે જ થશે. એ જોતાં, કરોડો ક્રિકેટપ્રેમીઓને ક્રિકેટજગતના બે સૌથી કટ્ટર દેશ વચ્ચેની ઉપરાઉપરી ત્રણ ટક્કર લાગલગાટ ત્રણ રવિવારે માણવા મળશે.

પુરુષોનો ટી-20 એશિયા કપ (ASIA CUP) મુખ્ય યજમાન દેશ ભારતમાં નહીં, પરંતુ યુએઇમાં રમાશે એની બે દિવસ પહેલાં જાહેરાત થઈ ગઈ ત્યાર બાદ હવે એની તારીખો જાહેર કરવામાં આવી છે અને આ રસાકસીભરી ટૂર્નામેન્ટનું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ સ્પર્ધા આગામી 9-28 સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે અને એમાં ભારત-પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં (ગ્રૂપ-એ)માં રાખવામાં આવ્યા છે.

પીટીઆઇના અહેવાલ મુજબ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ તેમ જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચૅરમૅન મોહસિન નકવીએ શનિવારે એશિયા કપની તારીખ વિશેની સત્તાવાર જાહેરાત `એક્સ’ પર કરી હતી.

ભારત-પાકિસ્તાન વચ્ચેનો લીગ-સ્ટેજનો મુકાબલો દુબઈ (Dubai)માં રવિવાર, 14મી સપ્ટેમ્બરે થશે. જો આ બે દેશ સુપર-ફોર રાઉન્ડમાં પહોંચશે તો એમની વચ્ચે ફરી રવિવાર, 21મી સપ્ટેમ્બરે દુબઈમાં જ ટક્કર થશે. જો બન્ને ટીમ રવિવાર, 28મીની ફાઇનલમાં પહોંચશે તો એમની વચ્ચેનો એ ત્રીજો મુકાબલો કહેવાશે.

પુરુષોના ટી-20 ફૉર્મેટવાળા એશિયા કપનું મુખ્ય યજમાન ભારત છે. જોકે 2027ની સાલ સુધી એકબીજા સામે માત્ર તટસ્થ સ્થળે જ મૅચ રમવા વિશે ભારત અને પાકિસ્તાન સંમત થયા હોવાથી એશિયા કપ યુએઇ (UAE)માં યોજવાનું નક્કી કરાયું છે જેની જાહેરાત 24મી જુલાઈએ કરવામાં આવી હતી.

એક અહેવાલ મુજબ બ્રૉડકાસ્ટર્સ સાથે એસીસીની એવી સમજૂતી થઈ છે જેમાં ભારત-પાકિસ્તાનને આ સ્પર્ધામાં એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે. ભારતની પહેલી મૅચ 10મી સપ્ટેમ્બરે યુએઇ સામે રમાશે.

ભારતવાળા ગ્રૂપ એ'માં પાકિસ્તાન ઉપરાંત યજમાન યુએઇ અને ઓમાનનો પણ સમાવેશ છે. ગ્રૂપબી’માં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હૉન્ગકૉન્ગ સામેલ છે. કુલ 19 મૅચની આ સ્પર્ધા દરેક દેશને પોતાની સ્ક્વૉડમાં કુલ 17 ખેલાડી રાખવાની છૂટ મળશે અને સ્પર્ધાની મૅચો દુબઈ ઉપરાંત અબુ ધાબીમાં પણ રમાશે.

હવે પછીનો ટી-20 વર્લ્ડ કપ ભારત-શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાશે અને એ બાબતને ધ્યાનમાં રાખીને એશિયા કપ માટે ટી-20 ફૉર્મેટ નકકી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…સપ્ટેમ્બરમાં યુએઇમાં જામશે ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ટક્કર

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button