ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફુટબૉલમાં બે ટીમ જીતી એટલે ટાઇટલ માટેની હરીફાઈ વધુ ઉગ્ર થઈ
ચડિયાતા પુરવાર થવા મૅન્ચેસ્ટર સિટીના હાલાન્ડ અને આર્સેનલના સાકા વચ્ચે જોરદાર સ્પર્ધા

લંડન: યુરોપની સૌથી લોકપ્રિય ફુટબૉલ સ્પર્ધા ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ)માં ટાઇટલ માટેની રેસ ઉગ્ર બની છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમ ભાગ લે છે અને દરેક ટીમે કુલ 38 મૅચ રમવાની હોય છે. મોટા ભાગની ટીમની 35 મૅચ થઈ ચૂકી છે અને હવે ત્રણ મૅચ બાકી છે.
આર્સેનલ અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન મૅન્ચેસ્ટર સિટીની ટીમે રવિવારે પોતપોતાની મૅચમાં જીત મેળવી હોવાથી એમની વચ્ચે હવે ફક્ત એક પૉઇન્ટનું અંતર છે. 35 મૅચ રમી ચૂકેલી આર્સેનલની ટીમના 80 પૉઇન્ટ છે, જ્યારે એનાથી એક ઓછી મૅચ (34) રમનાર મૅન્ચેસ્ટર સિટીના 79 પૉઇન્ટ છે. 35 મૅચ રમનાર લિવરપૂલના 75 પૉઇન્ટ છે અને એ ત્રીજા નંબરે છે.

આર્સેનલે રવિવારે ટૉટેનહૅમને 3-2થી હરાવીને ટાઇટલની આશા જીવંત રાખી હતી.
બીજી તરફ, મૅન્ચેસ્ટર સિટીનો નૉટમ ફોરેસ્ટ સામે 2-0થી વિજય થયો હતો. બેમાંથી એક ગોલ યૉસ્કો ગ્વાર્ડિયૉલે અને બીજો ગોલ અર્લિંગ હાલાન્ડે કર્યો હતો. અહીં ખાસ જણાવવાનું કે હાલાન્ડ 21 ગોલ સાથે આ વખતની ઇપીએલમાં ટૉપ-સ્કોરર છે અને આવનારી ચાર મૅચ તેના માટે વધુ અગત્યની અને કસોટીની છે.
ટાઇટલ માટેની બીજી ફેવરિટ ટીમ આર્સેનલના બુકાયો સાકાના નામે 15 ગોલ છે.
મૅન્ચેસ્ટર સિટી 2022-’23માં સાતમું ટાઇટલ જીતી હતી. ઇપીએલના સૌથી વધુ 13 ટાઇટલ મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)ના નામે છે. જોકે હાલમાં એમયુની ટીમ 54 પૉઇન્ટ સાથે છેક છઠ્ઠા નંબરે છે.