એક જ દિવસમાં ત્રણ સ્પર્ધામાં ચૅમ્પિયન ટીમ નક્કી થઈ! | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

એક જ દિવસમાં ત્રણ સ્પર્ધામાં ચૅમ્પિયન ટીમ નક્કી થઈ!

નવી દિલ્હીઃ 31મી ઑગસ્ટનો દિવસ સુપર સન્ડે હતો જે દિવસે ત્રણ ટૂર્નામેન્ટની ફાઇનલ રમાઈ હતી. કેટલાક લોકો આને ક્રિકેટનો અતિરેક કહે છે તો અમુક ક્રિકેટપ્રેમીઓનું માનવું છે કે રવિવારે તો જલસો પડી ગયો.

દિલ્હી પ્રીમિયર ટી-20 લીગમાં કિંગ્સ સામે લાયન્સનો વિજય થયો હતો. નીતીશ રાણાના સુકાનમાં વેસ્ટ દિલ્હી લાયન્સે ટાઇટલ જીતી લીધું હતું. રવિવારે ફાઇનલમાં સેન્ટ્રલ દિલ્હી કિંગ્સને ફાઇનલમાં વેસ્ટ દિલ્હી લાયન્સે છ વિકેટે પરાજિત કરી હતી. વેસ્ટ દિલ્હીના કૅપ્ટન નીતીશ રાણાએ 49 બૉલમાં સાત સિક્સર અને ચાર ફોરની મદદથી અણનમ 79 રન કર્યા હતા અને મૅન ઑફ ધ ફાઇનલનો પુરસ્કાર જીતી લીધો હતો.

ઇંગ્લૅન્ડની 100-100 બૉલવાળી `ધ હન્ડ્રેડ’ લીગમાં સૅમ બિલિંગ્સના નેતૃત્વમાં ઓવલ ઇન્વિન્સિબલ્સ નામની ટીમે ફાઇનલમાં ટ્રેન્ટ રૉકેટ્સને પરાજિત કરી હતી. ઓવલ (Oval)ની ટીમે સતત ત્રીજા વર્ષે આ સ્પર્ધા જીતી લીધી છે. ઓવલની ટીમે વિલ જૅક્સના 72 રનની મદદથી 100 બૉલમાં પાંચ વિકેટના ભોગે 168 રન કર્યા હતા. ટ્રેન્ટ વતી માર્કસ સ્ટોઇનિસે (STOINIS) બે વિકેટ લીધી હતી. ટ્રેન્ટની ટીમ 100 બૉલમાં 169 રનના લક્ષ્યાંકને મેળવવા જતાં આઠ વિકેટના ભોગે માત્ર 142 રન કરી શકી હતી. સ્ટોઇનિસે 38 બૉલમાં 64 રન કર્યા હતા, પરંતુ તેની બધી મહેનત પાણીમાં ગઈ હતી.

`ધ હન્ડ્રેડ’માં મહિલાઓની સ્પર્ધાની ફાઇનલમાં સધર્ન બ્રેવ (100 બૉલમાં છ વિકેટે 115 રન) સામે નૉર્ધર્ન સુપરચાર્જર્સે (88 બૉલમાં ત્રણ વિકેટે 116 રન) સાત વિકેટે વિજય મેળવ્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button