પેસ બોલર યશ દયાલની કરીઅર જેલમાં જ ખતમ થઈ શકે, ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડે આપ્યા આ પુરાવા

લખનઊઃ આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ (જીટી) અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી) વતી રમી ચૂકેલા 37 વર્ષીય પેસ બોલર યશ દયાલ (Yash Dayal) વિરુદ્ધ યૌન શોષણનો જે કેસ ચાલે છે એમાં તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડે પોલીસને આપેલા પુરાવા મુજબ યશ દયાલને 10 વર્ષની જેલની સજા થઈ શકે જેને પરિણામે તેની ક્રિકેટ કરીઅર જેલમાં જ ખતમ થઈ શકે.
યશ દયાલની ભૂતપૂર્વ પ્રેમિકા (Former Girlfriend)એ પોલીસ સમક્ષ કલમ 69 હેઠળ એફઆઇઆર (FIR) સાથે યશ સામેના આક્ષેપો સંદર્ભમાં વૉટ્સઍપ ચૅટના સ્ક્રીનશૉટ, વીડિયો કૉલ તેમ જ ફોટા જેવા પુરાવા (Evidences) રજૂ કર્યા છે જેની પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે.
આપણ વાંચો: યશ દયાલ માટે પાંચ સિક્સરવાળા અંધકાર પછી હવે સોનાનો સૂરજ ઊગ્યો
યશ વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડ (આઇપીસી)ની જે કલમ હેઠળ પ્રથમ દર્શી અહેવાલ રજૂ કરાયો છે એ મુજબ યશને જામીન ન મળી શકે અને તેને 10 વર્ષની જેલની સજા થઈ શકે.
એફઆઇઆરમાં પીડિતાએ આક્ષેપ કર્યો છે કે યશે તેને લગ્નનું વચન આપીને તેનું આર્થિક, માનસિક અને શારીરિક શોષણ કર્યું હતું. યશે તેની સાથે પાંચ વર્ષ સુધી રિલેશનશિપ રાખી હતી અને એ દરમ્યાન પીડિતા સાથે તેણે લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો.
આપણ વાંચો: યશ દયાલ (Yash Dayal): 2023માં ‘ઝીરો’, 2024માં ‘હીરો’
યશ સામે આક્ષેપો કરનાર ગાઝિયાબાદની છોકરીની મેડિકલ ટેસ્ટ થયા બાદ અને મૅજિસ્ટ્રેટ સામે કાયદા મુજબ તેનું નિવેદન રેકૉર્ડ થયા બાદ પોલીસ દ્વારા સત્તાવાર રીતે યશ વિરુદ્ધ કાર્યવાહી શરૂ થશે જે હેઠળ યશની ધરપકડ થઈ શકે છે.
યશ સામે આક્ષેપો કરનાર છોકરી ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ વિસ્તારની છે. તેણે પોલીસને કહ્યું છે કે યશના પરિવારે પણ તેને લગ્નનું આશ્વાસન આપ્યું હતું. તે યશના ઘરે આવતી-જતી હતી. જોકે આ આક્ષેપો બાદ યશ તરફથી કે તેના પરિવારમાંથી કોઈના તરફથી નિવેદન બહાર નથી આવ્યું. સોશિયલ મીડિયામાં પણ તેમણે કોઈ પ્રતિક્રિયા નથી આપી.
પીડિતાએ પહેલાં તો ફરિયાદ કરવા માટે 14મી જૂને મહિલા હેલ્પલાઇન નંબર 181 ઉપર કૉલ કર્યો હતો, પણ ત્યાંથી તેને કોઈ સુનાવણી ન થતાં તેણે 21મી જૂને સીધા મુખ્ય પ્રધાન (યોગી આદિત્યનાથ)ની હેલ્પલાઇનના નંબર પર સંપર્ક કર્યો હતો અને ત્યાર પછી પીડિતાની આખી કથની બહાર આવી હતી.