દિવ્યાંગ ક્રિકેટર જેની બૅટિંગ, બોલિંગ અનેફીલ્ડિંગની ઍક્શન જોઈને ભલભલા ચોંકી જાય!
જમ્મુ: કેન્દ્ર-શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો એક ક્રિકેટર એવો છે જે માત્ર ખભો અને ગરદનની મદદથી બૅટ પકડીને બૅટિંગ કરે છે તેમ જ પગથી ફીલ્ડિંગ અને બોલિંગ કરે છે.
જે ઍન્ડ કે પૅરા ક્રિકેટ ટીમના ૩૪ વર્ષના કૅપ્ટન આમિર હુસેન લોનની આ વાત છે જે આઠ વર્ષનો હતો ત્યારે તેના પપ્પાની મિલમાં બનેલા અકસ્માતમાં આમિરે બંને હાથ ગુમાવ્યા હતા. જોકે તેનામાં ક્રિકેટ રમવાની જે ટૅલન્ટ અને તાકાત હતી એને તેના ટીચરે પારખી લીધી હતી અને તેને વધુ તાલીમ લેવા માટે પ્રેરિત કર્યો હતો.
આમિર ખભા અને ગરદનની મદદથી બૅટ પકડી રાખે છે અને બૉલને બરાબર પારખીને ફટકો મારે છે. તે પગથી ફીલ્ડિંગ કરે છે તેમ જ બોલિંગ પણ પગથી કરે છે. આમિર ૨૦૧૩ અને ૨૦૧૮માં નૅશનલ પૅરા ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમ્યો હતો તેમ જ બંગલાદેશ સામેની એક ઇન્ટરનૅશનલ મૅચ પણ રમી ચૂક્યો છે. સચિન તેન્ડુલકર અને વિરાટ કોહલી તેના બે ફેવરિટ ક્રિકેટર છે.