ઑસ્ટ્રેલિયાના ફીલ્ડરને મોં પર બૉલ વાગ્યો અને લોહીની પિચકારી ઉડી!
મેલબર્ન: ઑસ્ટ્રેલિયામાં સમયાંતરે ક્રિકેટરને માથા પર કે મોં પર વાગવાનો બનાવ બનતો જ રહેતો હોય છે. ઑસ્ટ્રેલિયાની ધરતી એ રીતે અપશુકનિયાળ છે કે શું?
ઓપનિંગ બૅટર ફિલ હ્યુઝનો કિસ્સો યાદ છેને? 2014માં સિડનીની એક સ્થાનિક મૅચમાં હ્યુઝને હરીફ ટીમના ફાસ્ટ બોલર શૉન અબૉટ (વર્તમાન ઑસ્ટ્રેલિયન ટીમનો મેમ્બર)ના બાઉન્સરમાં હ્યુઝને ગરદન પર બૉલ વાગ્યો હતો અને ગણતરીના કલાકો બાદ હ્યુઝનું મૃત્યુ થયું હતું. એ ઘટના પછી ઑસ્ટ્રેલિયામાં કંકશન (માથા પર બૉલ વાગવાના) ઘણા બનાવો બન્યા છે. તેમના જ બૅટર વિલ પુકૉવ્સ્કીને લગભગ બાર વખતે માથામાં બૉલ વાગ્યો છે.
ફિલ હ્યુઝ સાઉથ ઑસ્ટ્રેલિયાની ટીમ વતી રમતો હતો અને ગુરુવારે તો મેલબર્નમાં ગજબનો બનાવ બની ગયો. સાઉથ ઑસ્ટ્રેલિયાના જ હેન્રી હન્ટને ફીલ્ડિંગ દરમ્યાન કૅચ પકડવાના પ્રયાસમાં મોં પર બૉલ એવો વાગ્યો કે તે વાંકો વળી ગયો હતો અને તેના નાકમાંથી લોહીની પિચકારી ઉડી હતી. એ બનાવનો વીડિયો તરત જ વાયરલ થઈ ગયો હતો.
હેન્રી હન્ટ પણ ઓપનિંગ બૅટર છે. માર્શ કપમાં વિક્ટોરિયાના બૅટર થૉમસ રોજર્સે ટીમની પચીસમી ઓવરમાં શૉટ માર્યો અને હેન્રી તેનો કૅચ તો ન પકડી શક્યો, બૉલ સીધો તેના મોં પર વાગ્યો હતો. ટીમના સાથીઓ તરત તેની પાસે દોડી આવ્યા હતા. હેન્રીને તરત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેનું નાક તૂટ્યું હતું કે નહીં એ જાણવા સ્કૅન માટે તેને ઍડ્મિટ કરવામાં આવ્યો ત્યાર બાદ ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર અને સાઉથ ઑસ્ટ્રેલિયાની ટીમના કોચ જેસન ગિલેસ્પીએ પત્રકારોને ક્હ્યું, ‘હેન્રીને બૉલ વાગતાં જ હું ડ્રેસિંગ-રૂમમાંથી બહાર નીકળીને નીચે મેદાન પર દોડી આવ્યો હતો. હું અને બીજા બધા લોકો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. તે પૂરેપૂરો સાજો થઈ જાય એ જ અમારો સૌથી પહેલો આશય છે.’