
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ એવી ટીમોમાંથી એક છે કે જે ક્યારેય પણ ગેમ પલટી શકે છે. આજે અરુણ જેટલી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાનની ટીમ વનડે વર્લ્ડકપ-2023 રમી રહી છે. આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને મેચમાં શાનદાર શરૂઆત કરી હતી અને ઓપનિંગ બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝે તોફાની ઇનિંગ્સ રમી હતી, પરંતુ સદી ચૂકી જતાં તેણે કંઈક એવું કર્યું હતું કે તેની આવી હરકત માટે ICC તેની સામે કાર્યવાહી હાથ ધરી શકે છે.
વાત જાણે એમ છે કે રહેમાન ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને સારી પાર્ટનરશિપ કરીને ટીમ માટે મજબૂત શરૂઆત કરી હતી. અફઘાનિસ્તાનની ટીમને આશા હતી કે ગુરબાઝ સદી ફટકારશે પણ તે રનઆઉટ થઈ ગયો હતો. 19મી ઓવરના પાંચમા બોલ પર નવા બેટ્સમેન હસમતુલ્લાહ શાહિદીએ રન લેવાનો પ્રયાસ કર્યો હતો અને આ રન લેવાની પ્રક્રિયામાં જ ગુરબાઝની વિકેટ પડી ગઈ હતી.
આઉટ થયા પછી ગુરબાઝે જે કર્યું હતું તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. સદી ચૂકી જવાને કારણે તે ગુસ્સે ભરાયો હતો અને તેણે જે વર્તન કર્યું હતું એનાથી બધાને આશ્ચર્ય થયું હતું. પેવેલિયન પરત ફરતી વખતે, તેણે બાઉન્ડ્રીના દોરડા પર જ બેટને જોરથી માર્યું હતું. તે આટલેથી અટક્યો નહોતો અને તેણે ડગઆઉટની નજીક રાખવામાં આવેલી ખુરશી પર પણ બેટને જોરથી માર્યું હતું.
ICCના નિયમો આવી હરકત માટે ખૂબ જ આકરા છે અને શક્ય છે કે ICC ગુરબાઝની આવી હરકત માટે તેને દંડ ફટકારે. આઈસીસીના નિયમો હેઠળ બેટ્સમેન આ રીતે ડ્રેસિંગ રૂમની વસ્તુઓને નુકસાન પહોંચાડી શકે નહીં.