સ્પોર્ટસ

રાજકોટમાં બેંગાલ અને જમ્મુ-કાશ્મીરની 100 ઓવરની મૅચ 30 ઓવરમાં પૂરી!

બોલિંગમાં શમી, આકાશ-મુકેશના તરખાટ

રાજકોટ: બેંગાલ અને જમ્મુ-કાશ્મીર વચ્ચે અહીં આજે વિજય હઝારે ટ્રોફી (Vijay Hazare Trophy) વન-ડે ટૂર્નામેન્ટની મૅચ બહુ જલ્દી સમાપ્ત થઈ ગઈ હતી. કુલ 100 ઓવરની આ મૅચનું પરિણામ 30.1 ઓવરમાં આવી ગયું હતું.

બેંગાલ (Bengal)ને જીતવા માત્ર 64 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે એણે 9.3 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ફીલ્ડિંગમાં ત્રણ કૅચ ઝીલનાર વિકેટકીપર અભિષેક પોરેલ 30 રન અને સુદીપ કુમાર ઘરામી પચીસ રન કરીને અણનમ રહ્યા હતા.

એ પહેલાં, જમ્મુ-કાશ્મીરની ઇનિંગ્સ 20.4 ઓવરમાં ફક્ત 63 રનમાં સમેટાઇ ગઈ હતી. જમ્મુ-કાશ્મીરના ધબડકાની શરૂઆત મોહમ્મદ શમીએ કરી હતી. તેણે મૅચના બીજા જ બૉલમાં ઓપનર કામરાન ઇકબાલ (0)ની વિકેટ અપાવી હતી. પહેલી ત્રણમાંથી બે વિકેટ મોહમ્મદ શમીએ લીધી હતી.

બીજા બે પેસ બોલર મુકેશ કુમાર (16 રનમાં ચાર) અને આકાશ દીપ (32 રનમાં ચાર)ની પણ જમ્મુ-કાશ્મીરની ટીમને 63 રનમાં આઉટ કરવામાં મોટી ભૂમિકા હતી.

જમ્મુ-કાશ્મીરની ટીમમાં ત્રણ બૅટ્સમેનના ઝીરો હતા અને માત્ર બે બૅટ્સમેનના રન ડબલ ડિજિટમાં હતા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button