રાધિકા રસોઈ બનાવી રહી હતી ત્યારે પિતાએ પાછળથી તેના પર ગોળીઓ છોડી
ટેનિસ ખેલાડીની ઍકેડેમી નહોતી, ઠેર-ઠેર જઈને તાલીમ આપતી હતી જે તેના પિતાને પસંદ નહોતું

ગુરુગ્રામઃ ગુરુવારે પિતાની ક્રૂરતાનો ભોગ બનેલી હરિયાણાના ગુરુગ્રામ (અગાઉનું નામ ગુડગાંવ)ની ઊભરતી ટેનિસ ખેલાડી રાધિકા યાદવની એક તરફ પરિવારજનોએ ભારે હૃદયે અંતિમ ક્રિયા કરી હતી અને બીજી બાજુ નવી નવી વિગતો બહાર આવી રહી છે જેમાંની એક માહિતી એવી છે કે રાધિકા (Radhika yadav) ઘરમાં રસોઈ બનાવી રહી હતી ત્યારે તેના પિતા દીપક યાદવે તેની પાછળ જઈને તેના પર ગોળીઓ છોડી હતી. પાંચમાંથી ત્રણ ગોળી રાધિકાને પીઠમાં વાગી હતી અને તે તત્કાળ મૃત્યુ પામી હતી.

એક અહેવાલ મુજબ રાધિકા ટેનિસ ઍકેડેમી ચલાવતી હતી અને દીપક યાદવે પુત્રીની હત્યા કરી હોવાની કબૂલાત સાથે પોલીસને એવું પણ કહ્યું છે કે તેના પરિવારજનો વારંવાર તેને ટકોર કરતા હતા કે તમે દીકરીની કમાઈ પર જીવો છો. `કન્યા વધ કર દિયા મેંને, મુજે માર દો. એફઆઇઆર એવી રીતે તૈયાર કરો કે જેને આધારે મને ફાંસીની સજા મળી જ જાય,’ એવું દીપક યાદવે પોલીસને પૂછપરછ દરમ્યાન કહ્યું હતું.
આ પણ વાંચો: મોડસ ઓપરેન્ડી, હત્યાની પદ્ધતિ અને વાહનને ઘેરી લઈ ગોળીઓનો વરસાદ…
રાધિકા પરના આ હુમલા વખતે તેના મમ્મી બીજા રૂપમાં સૂતા હતા અને તેઓ ગોળીબારનો અવાજ સાંભળીને રસોડામાં દોડી આવ્યા હતા.
અન્ય એક રિપોર્ટમાં જણાવાયું છે કે રાધિકા ઇન્સ્ટાગ્રામ પર તેના પુરુષ મિત્ર સાથે મળીને જે રીલ્સ બનાવતી હતી એ સામે રાધિકાના પિતાનો વિરોધ હતો.
દરમ્યાન પોલીસે જણાવ્યું છે કે રાધિકા કોઈ જ ટેનિસ ઍકેડેમી નહોતી ચલાવતી, તે અલગ અલગ જગ્યાની ટેનિસ કોર્ટ બુક કરીને ત્યાં ટેનિસની રમત શીખવા માગતા છોકરા-છોકરીઓને તાલીમ આપતી હતી જે તેના પિતાને નહોતું ગમતું.