12 મહિનામાં ટેનિસ ચૅમ્પિયનના આંસુ બદલાઈ ગયા, જાણો કેવી રીતે…
ન્યૂ યૉર્ક: બેલારુસની વર્લ્ડ નંબર-ટૂ મહિલા ટેનિસ ખેલાડી અરીના સબાલેન્કાએ શનિવારે અહીં યુએસ ઓપનનું પ્રથમ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું. તેણે ફાઇનલમાં અમેરિકાની વિશ્ર્વની છઠ્ઠા નંબરની જેસિકા પેગુલાને 7-5, 7-5થી હરાવી દીધી હતી. સબાલેન્કાનું આ ત્રીજું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે. ખૂબીની વાત એ છે કે 12 મહિના પહેલાં યુએસ ઓપનની ફાઇનલમાં અમેરિકાની કૉકો ગૉફ સામે પ્રથમ સેટ જીત્યા પછી પરાજય જોવો પડ્યો હતો. ત્યારે સબાલેન્કાની આંખોમાં હતાશા અને આઘાતના આંસુ હતા, પણ શનિવારે તેની આંખોમાં ખુશીના આંસુ છલકાતા હતા.
સબાલેન્કા 2022ની યુએસ ઓપનમાં વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉન્ટેક સામેની સેમિ ફાઇનલમાં નિર્ણાયક સેટમાં 4-2થી સરસાઈ લીધા પછી એ મુકાબલો હારી ગઈ હતી, પરંતુ આ વખતે સબાલેન્કાએ એવી પ્લેયર (પેગુલા)ને ફાઇનલમાં હરાવી જે સ્વૉન્ટેક સહિત ઘણી દિગ્ગજ ખેલાડીઓને પરાજિત કરીને ફાઇનલમાં પહોંચી હતી. જોકે સબાલેન્કાએ તેને (પેગુલાને) સળંગ સેટથી હરાવી દીધી.
સબાલેન્કા 2016ની સાલ બાદ ઑન્જેલિક કર્બર પછીની એવી બીજી મહિલા ખેલાડી છે જે એક જ સીઝનમાં હાર્ડ-કોર્ટ પરની ઊપરાઉપરી બે ગ્રૅન્ડ સ્લૅમ જીતી છે. સબાલેન્કા આ વર્ષની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ઑસ્ટ્રેલિયન ઓપન પણ જીતી હતી. 2023ની પણ ઑસ્ટ્રેલિયન ઓપન ગણતાં સબાલેન્કા પાસે હવે ત્રણ ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફી થઈ ગઈ છે.
સબાલેન્કાએ શનિવારની યાદગાર જીત પછી કહ્યું, ‘હું ઘણા વખતથી યુએસ ઓપનનું ટાઇટલ જીતવા આતુર હતી. હું આનંદ વ્યક્ત કરવાની સ્થિતિમાં નથી એટલી બધી ભાવુક થઈ ગઈ છું. આ ટ્રોફી જીતવાનું મારું વર્ષોથી સપનું હતું અને હવે એ સુંદર ટ્રોફી મારા હાથમાં આવી ગઈ છે. મને મારા પર ગર્વ છે અને એટલો જ ગર્વ મને સપોર્ટ કરનાર મારી આખી ટીમ પર પણ છે.’
સબાલેન્કા માટે યુએસ ઓપન પહેલાંનો સમય ખૂબ કઠિન હતો. માર્ચમાં તેના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ કૉન્સ્ટેન્ટિન કૉલ્ત્સોવનું અવસાન થયું હતું એટલે સબાલેન્કા ઘેરા આઘાતમાં હતી. બે મહિના પછી તે ખભાની ઈજાને કારણે વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપમાંથી નીકળી ગઈ હતી અને જૂનમાં ફ્રેન્ચ ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં પેટની સમસ્યા થયા બાદ હારી ગઈ હતી.