‘કોઈ બાપુને કહો કે ટી-20 વર્લ્ડ કપ પૂરો થઈ ચૂક્યો છે’…અક્ષર પટેલ વિશે કોણે કરી આ કમેન્ટ?

બેન્ગલૂરુ: ચાર-ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટના પ્રારંભિક દિવસે રિષભ પંત, શ્રેયસ ઐયર, અભિમન્યુ ઈશ્ર્વરન અને દેવદત્ત પડિક્કલ જેવા ખેલાડીઓ સારું રમવામાં નિષ્ફળ ગયા ત્યારે ઑલરાઉન્ડર અક્ષર પટેલે (86 રન, 118 બૉલ, છ સિક્સર, છ ફોર) શાનદાર બૅટિંગ કરી હતી. તેણે શ્રેયસની કૅપ્ટન્સીવાળી ટીમ-ડીને મુસીબતમાંથી ઉગારી હતી. તેની ઇનિંગ્સથી પ્રભાવિત થઈને દિલ્હી કૅપિટલ્સે એક્સ (ટ્વિટર) પર અક્ષરની પ્રશંસા કરતી પ્રતિક્રિયા આપી છે.
રવીન્દ્ર જાડેજાની જેમ હવે અક્ષર પટેલને પણ ‘બાપુ’ તરીકે ઓળખાવવામાં આવે છે.
ટીમ-સી સામેની મૅચમાં ટીમ-ડીએ બૅટિંગ મળ્યા પછી ખરાબ શરૂઆત કરી હતી. 34 રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી. 76 રનમાં આઠ વિકેટ પડી ચૂકી હતી. આખી ટીમ 80થી 100 રનની અંદર ઑલઆઉટ થઈ જશે એવું લાગતું હતું, પરંતુ સાતમા નંબરે બૅટિંગમાં આવેલો અક્ષર ટીમ-ડી માટે તારણહાર બન્યો હતો. તેણે કેટલીક ભાગીદારીઓની મદદથી ટીમનો સ્કોર 150 રનને પાર પહોંચાડી દીધો હતો. તેણે ટીમ-સીના લેફ્ટ-આર્મ સ્પિનર માનવ સુથારની ઓવરમાં 6, 4 અને 6ના સ્કોરિંગ-શૉટ સાથે હાફ સેન્ચુરી પૂરી કરી હતી. તે સદી નહોતો ફટકારી શક્યો, પણ દિલ્હી કૅપિટલ્સ કે જેના વતી તે આઇપીએલમાં રમતો હોય છે એને જરૂર પ્રભાવિત કરી દીધી હતી.
દિલ્હી કૅપિટલ્સે એક્સ પર અક્ષરની ઇનિંગ્સને અનોખી રીતે બિરદાવતા લખ્યું, ‘કોઈ બાપુ કો બતાઓ…ટી-20 વર્લ્ડ કપ ખતમ હો ગયા હૈ’.
ઉલ્લેખનીય છે કે જૂનમાં ટી-20 વર્લ્ડ કપની સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં બહુ સારું રમ્યો હતો. તે વિરાટ કોહલીને સાથ આપવા ક્રીઝ પર આવ્યો ત્યારે ભારતનો સ્કોર ત્રણ વિકેટે 34 રન હતો. અક્ષરે ચાર સિક્સર અને એક ફોરની મદદથી 47 રન ખડકી દીધા હતા અને ભારતને 176 રનના સ્કોર સુધી પહોંચાડવામાં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. દિલ્હી કૅપિટલ્સે તેની એ ઇનિંગ્સને ધ્યાનમાં રાખીને જ ‘બાપુ’ની રમૂજી ટિપ્પણી કરી છે.
દુલીપ ટ્રોફી મૅચની ટીમ-ડીની બૅટિંગ લાઇન-અપની વાત કરીએ તો અક્ષરને અને તેને સાથ આપનાર સારાંશ જૈન (41 બૉલમાં 13 રન) તથા અર્શદીપ સિંહ (33 બૉલમાં 12 રન)ને બાદ કરતા બધા બૅટર્સ ફેલ ગયા હતા. અથર્વ ટેઇડે ચાર રન, યશ દુબેએ 10 રન, કૅપ્ટન શ્રેયસે નવ રન, રિકી ભુઈએ ચાર રન બનાવ્યા હતા. દેવદત્ત પડિક્કલ ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. વિકેટકીપર શ્રીકાર ભરત પણ ફક્ત 13 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ-સી વતી પેસ બોલર વિજયકુમાર વૈશાકે ત્રણ વિકેટ તેમ જ અંશુલ કંબોજ તથા હિમાંશુ ચૌહાણે બે-બે તેમ જ માનવ સુથાર અને ઋતિક શોકીને એક-એક વિકેટ લીધી હતી.