ઇંગ્લૅન્ડમાં ટીમ ઇન્ડિયા ટેસ્ટ રમશે અને આ ભારતીય ખેલાડી રમતો હશે કાઉન્ટીમાં

લીડ્સ (ઇંગ્લૅન્ડ): ભારતીય બૅટ્સમૅન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ઇંગ્લૅન્ડના કાઉન્ટી ક્રિકેટની યૉર્કશર (Yorkshire)ની ટીમ સાથે જોડાઈ રહ્યો છે અને એની સાથેના કરાર મુજબ જુલાઈમાં તે કાઉન્ટી (county) ચૅમ્પિયનશિપમાં પાંચ મૅચ તેમ જ વન-ડે કપની કેટલીક મૅચો રમશે. બીજી બાજુ, એ જ અરસામાં શુભમન ગિલના સુકાનમાં ભારતીય ટેસ્ટ ખેલાડીઓ ઇંગ્લૅન્ડમાં ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમી રહ્યા હશે.

28 વર્ષનો ઋતુરાજ ગાયકવાડ પુણેનો છે. તે ભારત વતી એકેય ટેસ્ટ નથી રમ્યો. જોકે 2021થી 2024 દરમ્યાન તે ભારત વતી છ વન-ડે અને 23 ટી-20 રમ્યો જેમાં તેણે કુલ 750થી વધુ રન કર્યા છે.
ગાયકવાડ તાજેતરની ઈજાને કારણે આઇપીએલની શરૂઆતની થોડી મૅચો રમ્યા બાદ ટીમની બહાર થઈ ગયો હતો. તેની ગેરહાજરીમાં એમએસ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નું સુકાન સંભાળ્યું હતું. રણજી ટ્રોફીમાં ગાયકવાડ મહારાષ્ટ્રની ટીમનું નેતૃત્વ સંભાળે છે.
ગાયકવાડ પહેલી વાર કાઉન્ટી ક્રિકેટમાં રમશે. જુલાઈમાં સ્કારબરૉ ખાતે સરે સામે યૉર્કશરની જે મૅચ રમાશે ત્યારથી તે કાઉન્ટીમાં રમવાનું શરૂ કરશે અને કાઉન્ટી ચૅમ્પિયનશિપની સીઝનના અંત સુધી યૉર્કશરની ટીમ સાથે રમશે.
આપણ વાંચો: વેસ્ટ ઈન્ડિઝના આ ટોચના બૅટ્સમૅને અચાનક લઈ લીધી નિવૃત્તિ
ગાયકવાડ હાલમાં ઇંગ્લૅન્ડમાં જ છે અને ઇન્ડિયા એ' વતી રમી રહ્યો છે. તે થોડા જ દિવસમાં ઇંગ્લૅન્ડમાં ભારતની ટેસ્ટ ટીમ વિરુદ્ધ પણ રમતો જોવા મળશે. એમાં તે (13મી જૂનથી) ઇન્ડિયા
એ’ વતી ભારતની ટેસ્ટ ટીમ વિરુદ્ધ ચાર દિવસની મૅચમાં રમશે.
યૉર્કશર ક્લબની ટીમના હેડ-કોચ ઍન્થની મૅકગ્રાના મતે ગાયકવાડ ખૂબ ટૅલન્ટેડ બૅટ્સમૅન છે અને વિશ્વભરમાં તે જાણીતો છે તેમ જ તેમને આશા છે કે ગાયકવાડના સમાવેશથી યૉર્કશરની ટીમની બૅટિંગ લાઇન-અપ મજબૂત થશે.