કુલદીપને કારણે ટીમ ઇન્ડિયાએ મૅચ પર પકડ જમાવી, હવે બૅટ્સમેનોની પરીક્ષા થશે

ગુવાહાટીની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે સાઉથ આફ્રિકાના છ વિકેટે 247 રન
ગુવાહાટીઃ આસામના પાટનગરમાં ભારત (India) સામેની અંતિમ ટેસ્ટમાં આજે શનિવારના પ્રથમ દિવસે વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકાએ બૅટિંગ લીધા બાદ ખૂબ સારી શરૂઆત કરી હતી અને તેમનો સ્કોર દિવસની રમતના અંતે 300 રનને પાર જશે એવું લાગતું હતું, પરંતુ ફ્લૅટ વિકેટ પર સ્પિનર કુલદીપ યાદવે (17-3-48-3) પ્રવાસી ટીમને ત્રણ આંચકા આપ્યા જેને કારણે તેમના રનમશીનને બ્રેક લાગી હતી અને છેવટે નબળા પ્રકાશને લીધે રમત થોડી વહેલી બંધ કરાઈ ત્યારે તેમનો સ્કોર છ વિકેટના ભોગે 247 રન હતો.

સાઉથ આફ્રિકનો શનિવારે કુલ 81.5 ઓવરમાં અઢીસો રન પણ પૂરા ન કરી શક્યા એ ટેમ્બા બવુમાની ટીમ માટે થોડો ચિંતાનો વિષય જરૂર છે. જોકે રવિવારે તેઓ બાકીની ચાર વિકેટ કેટલા રનમાં ગુમાવશે એ વધુ મહત્ત્વનું છે, કારણકે ભારતને થોડા વર્ષોથી હરીફ ટીમના પૂંછડિયા બૅટ્સમેનો જ વધુ નડી જતા હોય છે. રિષભ પંતની ટીમ સાઉથ આફ્રિકાને 300-325ની આસપાસ સીમિત રાખ્યા પછી મોટી સરસાઈ લેશે તો જ આ મૅચ જીતવી શક્ય છે. નહીં તો, ડ્રૉ કે ભારતના પરાજયનું પરિણામ સાઉથ આફ્રિકા (South Africa)ને ભારતની ધરતી પર પચીસ વર્ષમાં પહેલી વાર ટેસ્ટ (Test) શ્રેણી જીતવામાં સફળતા અપાવશે. કોલકાતાની જેમ ગુવાહાટીમાં પણ બોલર્સે ટીમ ઇન્ડિયાને મૅચમાં થોડી ઘણી પકડ અપાવી છે, પરંતુ હવે રવિવારના બીજા દિવસે ભારતીય બૅટ્સમેનોની માર્કો યેનસેન, કેશવ મહારાજ, સાઇમન હાર્મર, વિઆન મુલ્ડર, એઇડન માર્કરમ સહિતના બોલર્સ સામે આકરી કસોટી થશે.
બન્ને ટીમના સરખા સંતુલનવાળા શનિવારના પ્રથમ દિવસની છેલ્લી પળોમાં નબળા પ્રકાશને કારણે રમત થોડી વહેલી સમેટી લેવામાં આવી હતી. અંત પહેલાંની થોડી પળોમાં મોહમ્મદ સિરાજે ક્રીઝમાં જામી ગયેલા ટૉની ડિ ઝૉર્ઝીની વિકેટ લીધી હતી. તેણે 59 બૉલમાં 28 રન કર્યા હતા. રિષભ પંતે ડાબી તરફ ડાઇવ મારીને તેનો અફલાતૂન કૅચ ઝીલ્યો હતો. એ છઠ્ઠી વિકેટ પહેલાં, કુલદીપ યાદવે ત્રણ તેમ જ જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી. ભારતીય બોલર્સે એક પણ પ્રવાસી ખેલાડીને હાફ સેન્ચુરી નહોતી કરવા દીધી. ટ્રિસ્ટેન સ્ટબ્સને તેના 49 રનના સ્કોર પર કુલદીપે પ્રથમ સ્લિપમાં રાહુલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
ગુવાહાટીમાં પહેલી વાર ટેસ્ટ
ગુવાહાટીમાં બરસાપારા સ્ટેડિયમમાં પહેલી જ વખત ટેસ્ટ મૅચ રમાઈ રહી છે. એ મેદાનની પિચ કઠણ છે, પરંતુ પહેલા દોઢ કલાકમાં પિચમાં રહેલા ભેજને કારણે બોલર્સને મોડી મૂવમેન્ટ (સ્વિંગ) મળતાં ભારતીય બોલર્સે થોડો ફાયદો ઉઠાવ્યો હતો. ખાસ કરીને માર્કરમ (38 રન)ની પ્રથમ વિકેટ લેનાર બુમરાહને જૂના બૉલથી પણ સારી ઇન્વર્ડ મૂવમેન્ટ મળી હતી. મોહમ્મદ સિરાજ રમતી છેલ્લી પળોમાં ત્રાટક્યો હતો અને આ દાવમાં તેણે પહેલી વિકેટ મેળવી હતી જેમાં તેણે સ્ટબ્સ સાથે 21 રનની, મુલ્ડર સાથે 14 રનની અને મુથુસામી સાથે 45 રનની ભાગીદારી કરનાર ટૉની ડિ ઝોર્ઝીને પૅવિલિયન ભેગો કર્યો હતો.
રાહુલના હાથે માર્કરમને જીવતદાન
ઓપનર એઇડન માર્કરમ (38 રન, 81 બૉલ, પાંચ ફોર) શનિવારે સવારે છેક 17મા બૉલ પર ખાતું ખોલાવવામાં સફળ થયો હતો અને 18મા બૉલ પર તેને બીજી સ્લિપમાં કે. એલ. રાહુલના હાથે જીવતદાન મળ્યું હતું. જોકે પછીથી રાહુલે કુલદીપ યાદવના બૉલમાં ટ્રિસ્ટેન સ્ટબ્સ (49 રન)નો પ્રથમ સ્લિપમાં કૅચ ઝીલીને તેને હાફ સેન્ચુરીથી વંચિત રાખ્યો હતો અને કુલદીપને દિવસની બીજી વિકેટ અપાવી હતી.
રિષભ પંત 38મો કૅપ્ટન
રિષભ પંત ભારતનો 38મો ટેસ્ટ સુકાની બન્યો છે. શુભમન ગિલ ગરદનના દુખાવાને કારણે આ મૅચમાં ન રમ્યો હોવાથી પંતને સુકાન સંભાળવાનો અવસર મળ્યો છે જેમાં તેણે બોલિંગમાં સારા ફેરફારો કર્યા હતા. હવે પંતની ખરી કસોટી બૅટિંગમાં થશે. ભારતે ટેસ્ટ ક્રિકેટને 38મો કૅપ્ટન આપીને વેસ્ટ ઇન્ડિઝની બરાબરી કરી હતી. એ સાથે, હવે વેસ્ટ ઇન્ડિઝની સાથે ભારત પણ ટેસ્ટ જગતને સૌથી વધુ સુકાની આપનારા દેશોમાં ત્રીજા નંબરે આવી ગયું છે.
આપણ વાંચો: ન્યૂ ઝીલૅન્ડના હાથે બાવીસ દિવસમાં ઇંગ્લૅન્ડ પછી વેસ્ટ ઇન્ડિઝનો પણ ઘરઆંગણે 3-0થી વાઇટવૉશ



