જાડેજા, નીતીશ, બુમરાહ અને સિરાજે 148 વર્ષની ટેસ્ટ-ક્રિકેટને આ નવો વિશ્વવિક્રમ આપ્યો...
સ્પોર્ટસ

જાડેજા, નીતીશ, બુમરાહ અને સિરાજે 148 વર્ષની ટેસ્ટ-ક્રિકેટને આ નવો વિશ્વવિક્રમ આપ્યો…

લંડનઃ લૉર્ડ્સમાં ભારતનો ઇંગ્લૅન્ડ સામે સિરીઝની ત્રીજી ટેસ્ટમાં પરાજય થયો, પરંતુ એમાં ભારતીય ખેલાડીઓએ કેટલાક વિક્રમો પોતાના નામે કર્યા હતા જેમાં ખાસ કરીનેએક વર્લ્ડ રેકૉર્ડ એવો છે જે ઘણાના ધ્યાન બહાર રહી ગયો છે. ભારતના નીચલા ક્રમના ચાર બૅટ્સમેન (રવીન્દ્ર જાડેજા, નીતીશ રેડ્ડી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ)એ ભેગા થઈને આ વિક્રમ પોતાના સહિયારા નામે કર્યો હતો.

વાત એવી છે કે કોઈ ટેસ્ટ (Test)ના ચોથા દાવમાં છેલ્લી ત્રણ વિકેટ માટે બૅટ્સમેનોએ કુલ 300 બૉલ (300 bowl)નો સામનો કર્યો હોય એવું 148 વર્ષના ટેસ્ટ-ઇતિહાસમાં પહેલી જ વખત બન્યું છે. જાડેજા સોમવારે ભારતની ટીમ માટે તારણહાર બની રહ્યો હતો, પણ તેને બીજા ત્રણ બૅટ્સમેનનો સારો એવો સાથ મળવા છતાં છેવટે ભારતે પરાજય જોવો પડ્યો હતો.

જાડેજાની આઠમી વિકેટ માટે નીતીશ રેડ્ડી સાથે 91 બૉલમાં 30 રનની, નવમી વિકેટ માટે બુમરાહ સાથે 132 બૉલમાં 35 રનની અને દસમી વિકેટ માટે સિરાજ સાથે 80 બૉલમાં 23 રનની ભાગીદારી થઈ હતી. ખુદ જાડેજા 266 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 181 બૉલમાં બનાવેલા 61 રને અણનમ રહ્યો હતો. નીતીશે 53 બૉલમાં 13 રન, બુમરાહે 54 બૉલમાં પાંચ રન અને સિરાજે 30 બૉલમાં પાંચ રન કર્યા હતા.

જાડેજા તેમ જ નીતીશ, બુમરાહ અને સિરાજના સમાવેશ સાથે ભારતની છેલ્લી ત્રણ વિકેટમાં કુલ 88 રન (88 runs) બન્યા હતા. આ 88 રન 301 બૉલમાં બન્યા હતા અને એ સાથે જાડેજા, નીતીશ, બુમરાહ, સિરાજે ઇંગ્લૅન્ડનો 2015ની સાલનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો હતો. 10 વર્ષ પહેલાં દુબઈમાં પાકિસ્તાન સામેની ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની છેલ્લી ત્રણ વિકેટમાં 119 રન બન્યા હતા. એ 119 રન 294 બૉલમાં બન્યા હતા. ઇંગ્લૅન્ડ વતી એ કુલ 294 બૉલ રમનારાઓમાં આદિલ રાશીદ, સ્ટુઅર્ટ બ્રૉડ, માર્ક વૂડ અને જેમ્સ ઍન્ડરસનનો સમાવેશ હતો.

આ પણ વાંચો…કૈફના મતે બેન સ્ટૉક્સ અને જોફ્રા આર્ચર સોમવારે ભારતના કયા ખેલાડીને ઘાયલ કરવા માગતા હતા?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button