
વિશાખાપટ્ટનમઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 સિરીઝ આજથી શરૂ થઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમના મેદાન પર રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ સીરીઝ ઘણી મહત્વની બની રહી છે. સૂર્યકુમાર યાદવ પ્રથમ વખત T20 ઈન્ટરનેશનલમાં કેપ્ટનશિપ કરતા જોવા મળશે. સાથે જ ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં મોટો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી શકે છે.
હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર T20 ટીમનું નેતૃત્વ કરશે. જો ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં ઓછામાં ઓછી ત્રણ મેચ જીતે છે તો તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની જશે. આ રેકોર્ડ હાલમાં પાકિસ્તાન ટીમના નામે છે. પાકિસ્તાને અત્યાર સુધી 135 T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે, જ્યારે ભારતે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં અત્યાર સુધીમાં 133 જીત નોંધાવી છે.
ટી-20 ઇન્ટરનેશનલમાં પાકિસ્તાને સૌથી વધુ 135 મેચ જીતી છે જ્યારે ભારતે 133 મેચ જીતી છે. ન્યુઝીલેન્ડે 102 મેચમાં જીત નોંધાવી છે. દક્ષિણ આફ્રિકાએ 95 જીત અને ઓસ્ટ્રેલિયાએ 94 જીત નોંધાવી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 26 T20 મેચ રમાઈ છે જેમાં ટીમ ઈન્ડિયાએ 15 મેચ જીતી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 10 મેચ જીતી છે અને એક મેચ અનિર્ણીત રહી હતી. બીજી તરફ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 10 T20 મેચ રમી છે જેમાંથી 6માં તેને જીત મળી છે અને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ઓસ્ટ્રેલિયા સંભવિત પ્લેઇંગ 11: મેથ્યુ વેડ (કેપ્ટન), એરોન હાર્ડી, જેસન બેહરનડોર્ફ, સીન એબોટ, ટિમ ડેવિડ, નાથન એલિસ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનિસ, કેન રિચાર્ડસન, એડમ ઝમ્પા.
ભારત સંભવિત પ્લેઇંગ 11: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અવેશ ખાન, મુકેશ કુમાર.