ટીમ ઇન્ડિયાની નામોશીથી દુખી થનારને આ મીમ્સ હસાવી દેશે…
‘ભાઈ, યે તો શુરૂ હોતે હી ખતમ હો ગયા યાર…’
બેન્ગલૂરુ: દુ:ખ, પીડા, વ્યથા વગેરે વગેરે…આ ઉપરાંત અહીં બીજા ઘણા શબ્દો ભારતની ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પહેલી ઇનિંગ્સ (46/10) માટે ફિટ બેસે એવા છે.
રોહિત શર્મા ઍન્ડ કંપનીએ અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જે પર્ફોર્મ કર્યું એનાથી કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓ હેરાન-પરેશાન છે. અનેક સ્ટાર ખેલાડીઓનો સમાવેશ ધરાવતી ભારતીય ટીમ કેમ 31.2 ઓવરમાં માંડ 46 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ એ જ નથી સમજાતું.
આ અત્યંત ખરાબ ઇનિંગ્સ બદલ તમે નિરાશ-હતાશ જરૂર હશો, પરંતુ સોશિયલ મીડિયામાં એવા કેટલાક મીમ્સ ફરી રહ્યા છે જે જોઈને તમારા ચહેરા પર થોડું સ્મિત તો આવી જ જશે…તમે કદાચ ખડખડાટ હસી પણ પડશો.
એક તો વરસાદને કારણે બુધવારની પ્રથમ દિવસની રમત નહોતી થઈ શકી અને ગુરુવારના બીજા દિવસે ટીમના ધબડકા (13/3) બાદ ફરી વરસાદનું વિઘ્ન આવ્યું હતું. ત્યાર પછી લંચ સુધીમાં ભારતે બીજી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમનો સ્કોર હતો ફક્ત 34 રન. આપણા હતાશ ખેલાડીઓ બરાબર જમ્યા પણ નહીં હોય, અને લંચના બ્રેક બાદ જોત જોતાંમાં (બીજા 12 રનમાં) બાકીની ચાર વિકેટ પડી ગઈ હતી અને ઘરઆંગણે 46 રનનો લોએસ્ટ સ્કોર રેકૉર્ડ-બુકમાં આવી જવાને કારણે ટીમ ઇન્ડિયાની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો.
આ પણ વાંચો :આઠ મહિનામાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરના પરિવારમાં ત્રીજું નિધન
વિરાટ કોહલી સહિત પાંચ ભારતીય બૅટર ખાતું ખોલાવ્યા વગર પૅવિલિયન ભેગા થઈ ગયા હતા. યશસ્વી જયસ્વાલ (63 બૉલમાં 13 રન) અને વિકેટકીપર રિષભ પંત (49 બૉલમાં 20 રન) સિવાય બીજો કોઈ બૅટર ડબલ ડિજિટમાં રન નહોતો બનાવી શક્યો. સિક્સરની તો વાત જવા દો, ત્રણ જ બૅટર ફોર ફટકારવામાં સફળ થયા હતા અને એમાંનો એક હતો પેસ બોલર મોહમ્મદ સિરાજ!
એક મીમ એવું છે જેમાં વિરાટ સહિતના આરસીબીના ખેલાડીઓ પોતાનો 49 ઑલઆઉટનો રેકૉર્ડ ટીમ ઇન્ડિયાએ બ્રેક કર્યો એ બદલ આનંદના અતિરેકમાં દોટ લગાવી રહ્યા હોય એવી તસવીર મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી. બીજું મીમ પણ કંઈક એવું જ છે. ત્રીજા મીમમાં ભારતના કમનસીબ સ્કોર-કાર્ડ સાથે ‘લગે રહો મુન્નાભાઈ’ના ઍક્ટર્સ સંજય દત્ત અને અર્શદ વારસીને બતાવવામાં આવ્યા છે જેમાં સંજયને અર્શદ કહી રહ્યો છે, ‘ભાઈ, યે તો શુરૂ હોતે હી ખતમ હો ગયા યાર…’
ચોથા મીમમાં ટેસ્ટ ટીમમાંથી દૂર કરવામાં આવેલા ચેતેશ્ર્વર પુજારા તથા અજિંક્ય રહાણેને યાદ કરવામાં આવ્યા છે. હેડ-કોચ ગૌતમ ગંભીર કૅપ્ટન રોહિત શર્માને ડ્રેસિંગ-રૂમમાં ‘આવકારી રહ્યો હોય’ એવી ટકોરવાળું મીમ પણ બનાવાયું છે.
હવે ભારતીય ટીમ માટે આ ટેસ્ટમાં બચવું મુશ્કેલ છે, કારણકે ટૉમ લૅથમની ટીમે ઘણી સરસાઈ લઈ લીધી છે. જોકે ઉલ્લેખનીય છે કે પ્રથમ દાવના રકાસ બાદ એ જ ટીમે વિજય મેળવ્યો હોય અથવા મૅચ ડ્રૉમાં લઈ જવામાં સફળ થઈ હોય એવા અસાધારણ કિસ્સા પણ ટેસ્ટ-ક્રિકેટમાં બની ચૂક્યા છે.