ગૌતમ ગંભીર પર લટકતી તલવાર, હવે સિરીઝ હારીશું તો હોદ્દો ગયો જ સમજો!
Team India Head Coach: રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં 0-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમના 24 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં સૂપડા સાફ થયા હતા. હવે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ રમવાની છે. 22 નવેમ્બરથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થશે.
આ પણ વાંચો : ગંભીરને ઝટકો?: આફ્રિકાના પ્રવાસમાં ચીફ કોચ તરીકે લક્ષ્મણ જઈ શકે…
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં (WTC Final) પહોંચવા માટે ભારતીય ટીમ માટે આ ટેસ્ટ સિરીઝ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં 4-0થી વિજય મેળવશે તો નિશ્ચિત રીતે ફાઇનલમાં પહોંચી જશે. ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે હરાવવા ભારતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરની અગ્નિ પરીક્ષા થશે. ન્યૂઝીલેન્ડ સામે ભૂંડી હાર બાદ ગંભીરના કોચિંગ પર સવાલ ઉભા થયા છે. ગંભીરે ચાર મહિના પહેલા હેડ કોચનો કાર્યભાર સંભાળ્યો હતો.
જો ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ રહેશે તો ગંભીરને ટેસ્ટ ક્રિકેટના હેડ કોચ પદેથી હટાવવામાં આવી શકે છે. ગંભીર હાલ ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો હેડ કોચ છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ, બીસીસીઆઈ રેડ બોલ ક્રિકેટ અને વાઇટ બોલ ક્રિકેટ માટે અલગ અલગ કોચની નિમણુક કરવા વિચારી રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં વીવીએસ લક્ષ્મણ જેવા દિગ્ગજને હેડ કોચ બનાવવામાં આવી શકે છે, જ્યારે ગૌતમ ગંભીર વન ડે અને ટી20 ના હેડ કોચ પદે યથાવત રહી શકે છે.
રિપોર્ટ પ્રમાણે, ન્યૂઝીલેન્ડ સામે કારમી હાર બાદ બીસીસીઆઈએ રિવ્યૂ મીટિંગ કરી હતી. જેમાં કેપ્ટન રોહિત શર્મા, ચીફ સિલેક્ટર અજીત અગરકર અને હેડ કોચ ગંભીરની સાથે બીસીસીઆઈ સચિવ જય શાહ અને અધ્યક્ષ રોજર બિન્ની પણ હાજર હતા. ન્યૂઝીલેન્ડ સિરીઝ દરમિયાન ટીમ મેનેજમેન્ટ દ્વારા લેવામાં કેટલાક ફેંસાલ અંગે પૂછવામાં આવ્યું હતું. ઉપરાંત ગંભીરની કોચિંગ શૈલી અંગે પણ ચર્ચા થઈ હતી. સૂત્રો મુજબ છ કલાક ચાલેલી બેઠકમાં હારનું મનોમંથન થયું હતું.
આ પણ વાંચો : કોહલી-રોહિત માટે `ગાંગુલીના દુશ્મન’ની સલાહ, સચિનનું નામ લઈને પણ કહી મોટી વાત…
બીસીસીઆઈના અધિકારી ત્રીજી ટેસ્ટમાં બુમરાહને આરામ આપવામાં આવ્યો તેને લઈ પણ ખુશ નહોતા. પ્રથમ બે ટેસ્ટમાં સ્પિન ફ્રેન્ડલી પિચ પર હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં ત્રીજી ટેસ્ટમાં પણ આવી પિચ કેમ બનાવવામાં આવી તેની પણ ચર્ચા થઈ હતી.