નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ન્યૂઝીલેન્ડ સીરિઝ પહેલા તેલંગાણા સરકારે મોટી ગિફ્ટ આપી છે. સિરાજને ડીએસપી બનાવવામાં આવ્યો છે. સિરાજે તેલંગાણાના પોલીસ મહાનિર્દેશકને રિપોર્ટ કર્યા બાદ ડીએસપી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો હતો. સિરાજના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરીને તેને ચાલુ વર્ષે જુલાઈમાં તેલંગાણા સરકારે ગ્રુપ-1 નોકરી આપવાનો ફેંસલો કર્યો હતો.
તેલંગાણા પોલીસે શું કરી પોસ્ટ
મોહમ્મદ સિરાજે આ સન્માન માટે મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. તેલંગાણા પોલીસે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજને તેની ક્રિકેટ ઉપલબ્ધિ અને રાજ્ય પ્રત્યે સમર્પણને ધ્યાનમાં રાખીને તેલંગાણાના ડીએસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે પોતાની નવી ભૂમિકાથી લોકોને પ્રેરિત કરશે અને ક્રિકેટ કરિયર શરૂ રાખશે.
મોહમ્મદ સિરાજ ટી20 વર્લ્ડકપ 2024ની ચેમ્પિયન ભારતીય ટીમનો હિસ્સો હતો. ભારતે ચાલુ વર્ષે જૂનમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટી20 વર્લ્ડકપ ટ્રોફી પોતાના નામે કરી હતી. સિરાજ ચેમ્પિયન ટીમમાં રાજ્યનો એક માત્ર ખેલાડી હતી. સિરાજ ઈન્ટરનેશલ ડેબ્યૂ બાદ સતત છાપ છોડી રહ્યો છે. તેણે ગત વર્ષે શ્રીલંકા સામે એશિયા કપ ફાઈનલમાં કાતિલ બોલિંગ કરી હતી અને 6 ખેલાડીને પેવેલિયન મોકલી ભારતની એક તરફી જીત નિશ્ચિત કરી હતી.
બાંગ્લાદેશ સામે ટી20 સીરિઝમાં સિરાજને આપવામાં આવ્યો છે આરામ
સિરાજને હાલ બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ટી20 સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સીરિઝમાં તેણે 4 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ મેચમાં તેણે અકલ્પનીય કેચ પણ પકડ્યો હતો. ભારતે બાંગ્લાદેશને 2 મેચની સીરિઝમાં 2-0 થી હરાવ્યું હતું.
મોહમ્મદ સિરાજની કેવી છે કરિયર
મોહમ્મદ સિરાજ વર્તમાન સમયમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતના શાનદાર બોલર પૈકીનો એક છે. તેણે 2017માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યુ હતું. 2019માં વન ડેમાં અને 2020માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ હતું. 29 ટેસ્ટ મેચમાં તેણે 78 વિકેટ ઝડપી છે. જ્યારે 44 વન ડેમાં 71 વિકેટ અને 16 ટી20 ઈન્ટરનેશનલમાં 14 વિકેટ ઝડપી છે.