
નવી દિલ્હીઃ ઘરઆંગણે રમાઈ રહેલા વર્લ્ડ કપમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે નોંધપાત્ર બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કરીને વર્લ્ડ કપ જીતવા માટે આગળ વધી રહ્યું છે. વર્લ્ડ કપ જીતવા માટે ભારતીય ટીમ હવે બે મેચ દૂર રહ્યું છે.
આજની મેચમાં સર્વોચ્ચ રનનો ખડકલો કર્યાના અહેવાલ વચ્ચે વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્રિકેટર વિવ રિચર્ડસે ટીમ ઈન્ડિયાને સલાહ આપતા કહ્યું હતું કે ભારતીય ટીમે સકારાત્મક રહેવું પડશે એની સાથે આક્રમક રમત પણ રમવી પડશે. રિચર્ડસે સલાહ આપતા વધુમાં કહ્યું હતું કે ભારત પોતાની સ્ટ્રેંથના હિસાબથી રમત રમે અને નકારાત્મક વિચારોથી પણ બચે.
વિવ રિચર્ડસે કહ્યું હતુ કે ભારતીય ટીમના પ્લેયર આક્રમક રમત રમવાની મનોદશા ધરાવે છે, જે રીતે રમે છે એ જ રીતે પૂરી ટીમની મનોદશા હોવી જોઈએ. જો હું ડ્રેસિંગ રુમનો હિસ્સો હોત તો મારી પણ એક જ વિચારધારા હોત કે આપણે આક્રમક રમત રમવી જોઈએ. આ વલણે અત્યાર સુધીમાં કામ કર્યું છે અને એમાં જો ફેરફાર કરવામાં આવે તો અમુક બાબત બગડી શકે છે.
રિચર્ડસે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે ભારત અપરાજીત રહી શકે છે. આટલે સુધી પહોંચીને થોડો ડર હોય શકે છે, જેમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે અને સેમી ફાઈનલમાં પણ ખરાબ પ્રદર્શનનો દિવસ આવી શકે છે વગેરે. આમ છતાં ટીમ ઈન્ડિયા તમામ વાતોથી પોતાને અલગ રાખવાનું જરુરી છે. કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારોથી અંતર રાખવાનું જરુરી છે, એમ તેમણે જણાવ્યું હતું.