સ્પિનર વૅન્ડરસે સામે ટીમ ઇન્ડિયા ઝૂકી ગઈ, શ્રીલંકા 32 રનથી જીત્યું

કોલંબો: ભારતનો યજમાન શ્રીલંકા સામે રવિવારે બીજી વન-ડેમાં 32 રનથી પરાજય થયો હતો. શ્રીલંકા 1-0થી આગળ થઈ ગયું છે. પ્રથમ મૅચ ટાઇ થઈ હતી અને હવે છેલ્લી મૅચ જે બુધવારે રમાશે એ જીતીને ભારતે શ્રેણીને 1-1ની બરાબરીમાં લાવવી જ પડશે.
ભારતને જીતવા 241 રનનો સાધારણ છતાં પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ ભારતીય ટીમ 42.2 ઓવરમાં 208 રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી.
34 વર્ષના લેગ-સ્પિનર જેફરી વૅન્ડરસે (10-0-33-6) સામે ભારતની બૅટિંગ લાઇન-અપ ઝૂકી પડી હતી. પહેલી તમામ છ વિકેટ તેણે લીધી હતી.
કૅપ્ટન રોહિત શર્મા (64 રન, 44 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર), અક્ષર પટેલ (44 રન, 44 બૉલ, બે સિક્સર, ચાર ફોર) સિવાય બીજો કોઈ બૅટર સારું નહોતો રમ્યો. વાઇસ કૅપ્ટન શુભમન ગિલે 35 રન 44 બૉલમાં બનાવ્યા હતા. તેની અને રોહિત વચ્ચે 97 રનની ભાગીદારી થઈ હતી, પણ તેઓ બન્ને થોડા રનના અંતરે વિકેટ ગુમાવી બેઠા હતા. વિરાટ 14 રન બનાવી શક્યો હતો, જ્યારે શિવમ દુબેનો ઝીરો હતો. શ્રેયસ ઐયર (7) અને કેએલ રાહુલ (0)એ પણ ખૂબ નિરાશ કર્યા હતા. છેલ્લે છેલ્લે વૉશિંગ્ટન સુંદર (15), કુલદીપ (7) અને સિરાજે (4) થોડી લડત આપી હતી, પરંતુ ફરી કૅપ્ટન ચરિથ અસલંકા (શુક્રવારની ટાઇ મૅચની જેમ) ત્રાટક્યો હતો અને તેણે 20 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : લક્ષ્ય સેન માટે સોમવારે બ્રૉન્ઝ જીતવો કેમ આસાન છે?
એ પહેલાં, શ્રીલંકાએ વરસાદની સંભાવના વચ્ચે બૅટિંગ પસંદ કરીને 50 ઓવરમાં નવ વિકેટે 240 રન બનાવ્યા હતા. એક પણ શ્રીલંકન બૅટર હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો. સ્પિનર્સ વૉશિંગ્ટન સુંદરે 30 રનમાં ત્રણ, કુલદીપ યાદવે 33 રનમાં બે તેમ જ અક્ષર પટેલે 38 રનમાં એક વિકેટ લીધી હતી. પેસ બોલર મોહમ્મદ સિરાજને 43 રનમાં એક જ વિકેટ મળી હતી, પણ તેણે મૅચના પહેલા જ બૉલમાં એ વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી હતી.
શ્રીલંકાના કૅપ્ટન ચરિથ અસલંકાએ બૅટિંગ લીધા પછી તેની ટીમે પહેલા જ બૉલમાં વિકેટ ગુમાવી હતી. મોહમ્મદ સિરાજે પડકારરૂપ ઓપનર પથુમ નિસન્કાને પ્રથમ બૉલમાં વિકેટકીપર કેએલ રાહુલના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો હતો. સિરાજના લેટ-કટરમાં નિસન્કાના બૅટની બહારના ભાગ પર કટ લાગી જતાં બૉલ સ્ટમ્પ્સની પાછળ ગયો હતો અને રાહુલે જમણી દિશા તરફના એ બૉલને ઝીલી લીધો હતો.
ત્યાર બાદ અવિષ્કા ફર્નાન્ડો (40 રન, 62 બૉલ, પાંચ ફોર) અને વિકેટકીપર કુસાલ મેન્ડિસ (30 રન, 42 બૉલ, ત્રણ ફોર) વચ્ચે 74 રનની બીજી વિકેટ માટેની ભાગીદારીએ ટીમને સારી સ્થિતિમાં લાવી દીધી હતી, પરંતુ 74મા રને સ્પિનર વૉશિંગ્ટન સુંદરના હાથમાં ફર્નાન્ડો કૅચઆઉટ થઈ જતાં શ્રીલંકાનો ધબડકો શરૂ થઈ ગયો હતો.
ત્યાર બાદ વૉશિંગ્ટન ઉપરાંત અક્ષર પટેલ અને કુલદીપ યાદવે પણ ત્રાટકીને શ્રીલંકાના સ્કોરને અંકુશમાં રખાવ્યો હતો.
છેક 35મી ઓવર બાદ દુનિથ વેલાલાગે (39 રન, 35 બૉલ, બે સિક્સર, એક ફોર) અને કામિન્ડુ મેન્ડિસ (40 રન, 44 બૉલ, ચાર ફોર) વચ્ચેની સાતમી વિકેટ માટેની 72 રનની પાર્ટનરશિપે શ્રીલંકાને 235-પ્લસનો સન્માનજનક સ્કોર અપાવ્યો હતો.