સ્પોર્ટસ

ટીમ ઇન્ડિયાના ગુજરાતી બૅટિંગ-કોચે ગૌતમ ગંભીરના મુદ્દે ચોંકાવનારા નિવેદનો આપ્યા!: જાણો શું કહ્યું…

ગુવાહાટીઃ સાઉથ આફ્રિકા સામે રવિવારે કોલકાતામાં ત્રીજા જ દિવસે ભારતની ટીમ પ્રથમ ટેસ્ટ હારી ગઈ એને પગલે હેડ-કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir)ને નિશાન બનાવતી જે ટીકાઓ થઈ રહી છે એ જાણીને ટીમના બૅટિંગ-કોચ સિતાંશુ કોટક (Sitanshu Kotak) ગુસ્સે થયા છે અને તેમનું માનવું છે કે આ હાર બદલ અમુક સ્થાપિત હિતો ગંભીર સામે આંગળી ચીંધી રહ્યા છે.

ભારતે એ મૅચમાં 30 રનની સરસાઈ લીધી હતી, પણ છેવટે 30 રનના મામૂલી માર્જિનથી ભારતનો પરાજય થયો હતો અને સાઉથ આફ્રિકાએ બે મૅચની સિરીઝમાં 1-0થી અપરાજિત સરસાઈ મેળવી લીધી હતી.

આપણ વાચો: ગૌતમ ગંભીર ઓવલના ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ઝઘડી પડ્યા; જાણો શું છે કારણ

ઈડન ગાર્ડન્સની ટર્નિંગ પિચ પર ભારતના સ્પિનર્સ તેમ જ બુમરાહ અને સિરાજ સફળ રહ્યા હતા, પરંતુ સાઉથ આફ્રિકાના ખાસ કરીને સ્પિનર્સ સામે સારું રમવામાં ભારતીય બૅટ્સમેનો નિષ્ફળ ગયા હતા. મૅચમાં કુલ આઠ વિકેટ લેનાર સ્પિનર સાઇમન હાર્મરને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

છેલ્લા એક વર્ષમાં ઘરઆંગણે ભારતીય ટીમ છમાંથી ચાર ટેસ્ટ હારી છે. સિતાંશુ કોટક 53 વર્ષના છે. તેઓ સૌરાષ્ટ્ર વતી 130 ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યા હતા જેમાં તેમણે 15 સેન્ચુરી અને પંચાવન હાફ સેન્ચુરીની મદદથી કુલ 8,061 રન કર્યા હતા. જોકે તેમને ભારત વતી ક્યારેય નહોતું રમવા મળ્યું.

કોટકે શનિવારે શરૂ થતી બીજી ટેસ્ટ પહેલાંની પત્રકારો સાથેની મુલાકાતમાં કહ્યું, ` ગૌતમ ગંભીર, ગૌતમ ગંભીર. બસ, તેમની ટીકા થઈ રહી છે. હું એ માટે કહી રહ્યો છું કારણકે હું તેમના સ્ટાફમાં છું અને તેમના વિશે જે કંઈ કહેવામાં આવી રહ્યું છે એનાથી મને દુઃખ પણ થઈ રહ્યું છે.

આપણ વાચો: ગૌતમ ગંભીર ઈંગ્લૅન્ડનો પ્રવાસ અધવચ્ચે છોડીને કેમ ભારત પાછો આવી ગયો?

તેમના વિશેની કમેન્ટ ઠીક ન કહેવાય. ક્યારેક ટીકા ખાસ પ્રકારના લોકો દ્વારા જ કરવામાં આવતી હોય છે. બની શકે કે આવા લોકો એક ખાસ હેતુસર જ તેમની ટીકા કરી રહ્યા હોય. એવા લોકોને ગુડલક. જે કંઈ કહેવાઈ રહ્યું છે એ સારું ન કહેવાય.’

ભૂતપૂર્વ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન કોટકે બૅટિંગમાં થયેલા ધબડકાને કારણે હારી ગયા એવું જણાવીને કહ્યું છે કે ` મને નવાઈ એ વાતની છે કે પેલા બૅટ્સમૅને ખોટું કર્યું અને પેલા બોલરે નબળું પર્ફોર્મ કર્યું એવું તો કોઈ બોલતા જ નથી. બૅટિંગમાં ફરી આવું ન થાય એ માટે આપણે શું કરવું એની વાત તો કોઈ કરતું જ નથી. બસ, ગંભીરને દોષી ગણાવ્યા કરે છે.

તેમણે (ગંભીરે) મૅચ પછી કોઈ પણ બહાનું કાઢવાને બદલે સીધું કહી દીધું હતું કે તેમને આવી જ (સ્પિનર્સને વધુ માફક આવે એવી જ) પિચ જોઈતી હતી અને પિચ-ક્યૂરેટરે એવી પિચ બનાવી હતી. ગંભીરે હાર બદલ બધો દોષ પોતાના પર લઈ લીધો હતો અને એવી માન્યતા વ્યક્ત કરી હતી કે પિચ ક્યૂરેટરને દોષી ન ગણવા જોઈએ.’

ખુદ ગંભીર તેમ જ સુનીલ ગાવસકર અને સૌરવ ગાંગુલીએ પણ કહ્યું હતું કે 124 રનનો લક્ષ્યાંક કંઈ મોટો કે મુશ્કેલ નહોતો, એ મેળવી શકાય એવો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button