મહિલા વર્લ્ડ કપમાં જય શ્રી રામ : સાઉથ આફ્રિકાની બૅટરે સેન્ચુરી કર્યા પછી તીર છોડ્યું' | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

મહિલા વર્લ્ડ કપમાં જય શ્રી રામ : સાઉથ આફ્રિકાની બૅટરે સેન્ચુરી કર્યા પછી તીર છોડ્યું’

ઇન્દોરઃ દશેરાનો પર્વ હમણાં જ ગયો અને દિવાળીનો મહાપર્વ આવી રહ્યો છે ત્યારે ભગવાન શ્રી રામ (Shri Ram)નું નામ તેમના ભક્તના મુખ પર આવ્યા વિના રહે જ નહીં, પરંતુ અહીં આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એ અદ્ભુત, અણધારી અને અવિસ્મરણીય છે. આ વાત વિદેશી મહિલા ક્રિકેટરની છે. સાઉથ આફ્રિકાની 34 વર્ષીય ઓપનર તૅઝમિન બ્રિટ્સે (Brits) અનોખા અંદાઝમાં યોદ્ધા શ્રી રામની ઍક્શન કરીને સૌને ચોંકાવી દીધા હતા.

મધ્ય પ્રદેશનું ઇન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર છે અને ભારતીય સંસ્કૃતિ જાળવવામાં તેમ જ વધુ લોકપ્રિય કરવામાં પણ આ શહેરનું તેમ જ એની નજીકના ઉજ્જૈન શહેરનું અનેરું યોગદાન રહ્યું છે. સોમવાર, છઠ્ઠી ઑક્ટોબરે ઇન્દોર (indore)માં મહિલા વન-ડે વર્લ્ડ કપની સાઉથ આફ્રિકા અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે મૅચ રમાઈ હતી જેમાં સાઉથ આફ્રિકાને જીતવા 232 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. સાઉથ આફ્રિકાને એ ટાર્ગેટ આસાનીથી અપાવનાર પ્લેયર ઑફ ધ મૅચ તૅઝમિન બ્રિટ્સ (101 રન, 89 બૉલ, એક સિક્સર, પંદર ફોર)એ સદી પૂરી કર્યા પછી પ્રભુ શ્રી રામને યાદ કર્યા હતા અને સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકોના તેમ જ અસંખ્ય ટીવી-દર્શકોના દિલ જીતી લીધાં હતાં. તેની સાથીઓ આ જોઈને ખુશ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો વિજયી આરંભઃ દીપ્તિ શર્મા સુપરસ્ટાર…

થાકેલી-પાકેલી તૅઝમિન બ્રિટ્સ સેન્ચુરી પૂરી કર્યા બાદ ઘૂંટણિયે બેઠી હતી, પીઠ પરના ભાથામાંથી તીર કાઢ્યું હોય એવી ઍક્શન કરી હતી અને ધનુષ બાણમાં ચડાવીને તીર છોડવાની અદ્ભુત સ્ટાઇલ કરી હતી. ભારતના મેદાન પર કોઈ વિદેશી ક્રિકેટર આવું કરે એ ખરેખર પ્રશંસનીય અને અવિસ્મરણીય જ કહેવાય. તેણે પોતાની લડાયક ઇનિંગ્સને પ્રભુ શ્રી રામની કમાન ચલાવવાની અનોખી લીલા સાથે જોડી હતી.

એ દિવસે તે એક કૅલેન્ડર યરમાં પાંચ વન-ડે સેન્ચુરી કરનાર વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી બની હતી.

આ પણ વાંચો : મહિલા વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાની ટીમને 88 રનથી કચડી નાખી…

જોકે કમનસીબે તૅઝમિન બ્રિટ્સનું ગુરુવારે વિશાખાપટનમમાં ભારતીય ટીમ સામે કંઈ જ નહોતું ચાલ્યું. ભારતે આપેલા 252 રનના તોતિંગ લક્ષ્યાંકનો સામનો કરતી વખતે તે પોતાના ત્રીજા જ બૉલ પર (ઝીરોમાં) આઉટ થઈ ગઈ હતી. પેસ બોલર ક્રાંતિ ગૌડે અફલાતૂન વળતો કૅચ ઝીલ્યો હતો અને બ્રિટ્સ નિરાશ હાલતમાં પાછી ગઈ હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button