સ્પોર્ટસ

તમીમ ઇકબાલને ભારતીય એજન્ટ તરીકે ઓળખાવાયો, બાંગ્લાદેશીઓ અંદરોઅંદર લડવા લાગ્યા

ઢાકાઃ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની કૅપ્ટન્સી સંભાળી ચૂકેલા ભૂતપૂર્વ ક્રિકેટર તમીમ ઇકબાલે (Tamim Iqbal) થોડી સમજદારી બતાવીને ક્રિકેટની મડાગાંઠ ઉકેલવા ભારત સાથે થોડું સમાધાનભર્યું વલણ અપનાવવાની સલાહ શું આપી કે તેને બાંગ્લાદેશમાં ભારતના એજન્ટ તરીકે ઓળખાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, બાંગ્લાદેશમાં અંદરોઅંદર શાબ્દિક લડાઈ શરૂ થઈ ગઈ છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે જેને લઈને આગામી આઇપીએલમાંથી (કેકેઆરની ટીમમાંથી) બાંગ્લાદેશી પેસ બોલર મુસ્તફિઝુર રહમાનની હકાલપટ્ટી કરવામાં આવી છે. ભારતમાં પોતાના ખેલાડીઓની સલામતીના મુદ્દે ડરી ગયેલા બાંગ્લાદેશે પોતાના ક્રિકેટરોને ફેબ્રુઆરીના ટી-20 વર્લ્ડ કપમાં રમવા ભારત નહીં મોકલવાનું નક્કી કરી લીધું છે અને પોતાની ટીમની મૅચો સહ-યજમાન શ્રીલંકામાં રાખવા આઇસીસીને ભારપૂર્વક વિનંતી કરી છે.

જોકે તમીમ ઇકબાલની તાજેતરની ટિપ્પણીઓને લઈને બાંગ્લાદેશમાં ઊહાપોહ થઈ રહ્યો છે. તમીમે કહ્યું છે કે ` બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે દેશની ટીમને ભારત ન મોકલવાનો નિર્ણય લોકોની સંવેદનાઓથી પ્રભાવિત થઈને ન લેવો જોઈએ. આવા કોઈ પણ નિર્ણયની અસર આવતા 10 વર્ષ સુધી જોવા મળી શકે. બાંગ્લાદેશ ક્રિકેટનું વિશ્વસ્તરે જે આગવું સ્થાન છે એ જોતાં તેમ જ આવો ઉતાવળે નિર્ણય લેવાથી બાંગ્લાદેશ ક્રિકેટનું ભવિષ્ય શું થઈ શકે એ બાબતો પર પણ ધ્યાન આપવું જોઈએ.’

લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન તમીમ 36 વર્ષનો છે. તેણે 2008થી 2023 સુધીની 15 વર્ષની લાંબી કરીઅરમાં બાંગ્લાદેશ વતી આંતરરાષ્ટ્રીય સ્તરે કુલ પચીસ સેન્ચુરી અને 94 હાફ સેન્ચુરીની મદદથી કુલ 400 જેટલી મૅચમાં 15,000થી પણ વધુ રન કર્યા હતા. તે વર્લ્ડ ઇલેવન તથા એશિયા ઇલેવન ટીમમાં સ્થાન પામી ચૂક્યો છે. ભારતની આઇપીએલમાં તે પુણે વૉરિયર્સ વતી રમ્યો હતો.

તમીમની ટિપ્પણીઓ જાણ્યા પછી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની ફાઇનૅન્સ કમિટીના અધ્યક્ષ એમ. નજમુલ ઇસ્લામે (Najmul Islam) તમીમ ઇકબાલ પર ભારતીય એજન્ટ હોવાનો આરોપ મૂક્યો છે. નજમુલે આરોપ મૂકતાં જ બાંગ્લાદેશમાં જાણે તમીમની વિરુદ્ધમાં કમેન્ટ્સનો દાવાનળ ફાટી નીકળ્યો છે. નજમુલે સોશ્યલ મીડિયાની એક પોસ્ટમાં લખ્યું છે, ` આ વખતે બાંગ્લાદેશના લોકોએ પોતાની આંખોથી વધુ એક પાક્કા ભારતીય એજન્ટનો ઉદય થતા જોયો છે.

જોકે નજમુલની આ કમેન્ટની પણ બાંગ્લાદેશમાં ટીકા થઈ રહી છે. ક્રિકેટર્સ વેલફેર અસોસિયેશન ઑફ બાંગ્લાદેશે દેશના ક્રિકેટ સત્તાધીશો (બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ)ને પત્રમાં લખ્યું છે કે તમે નજમુલને કહો કે તેઓ જાહેરમાં માફી માગે અને તમીમની વિરુદ્ધ અસભ્ય ટિપ્પણી કરવા બદલ તેમની સામે કાર્યવાહી પણ કરો. બોર્ડના એક અધિકારી બાંગ્લાદેશ ક્રિકેટના ઇતિહાસના સૌથી સફળ ઓપનિંગ બૅટ્સમૅન વિશે અણછાજતી ટિપ્પણી કરે એ સાંખી ન લેવાય. તમીમ તો શું, દેશના કોઈ પણ ક્રિકેટર વિશે આવી ટિપ્પણી થાય તો એ સ્વીકારી ન લેવાય. આ માત્ર તમીમનું નહીં, સમગ્ર બાંગ્લાદેશ ક્રિકેટનું અપમાન છે.’

આ પણ વાંચો… સીએસકેમાં ધોનીના આ સૌથી ફેવરિટ બોલરે તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button