ઑલિમ્પિક્સની નિરાશા બાદ પતિએ નિવૃત્તિ જાહેર કરી એટલે તાપસી પન્નુએ ઇન્સ્ટાગ્રામ પર કંઈક આવું લખ્યું…
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાંથી ભારતના કેટલાક નિરાશ ઍથ્લીટો અને ખેલાડીઓ તો પાછા આવી જ રહ્યા છે, તેમના કોચ પણ નિરાશા સાથે પોતાની કરીઅર વિશે વિચાર કરવા લાગ્યા છે. જોકે બૉલીવૂડની અભિનેત્રી તાપસી પન્નુના પતિએ તો પૅરિસ ઑલિમ્પિક્સમાંના પરાજયને પગલે નિવૃત્તિ જ જાહેર કરી દીધી છે. તાપસીએ એની પ્રતિક્રિયામાં હળવી મજાક સાથેની પોસ્ટ લખી છે.
તમને કદાચ થતું હશે કે તાપસી પન્નુના પતિએ વળી શેનું રિટાયરમેન્ટ લીધું? તો જણાવી દઈએ કે તેણે બૅડમિન્ટનના કોચના હોદ્દેથી નિવૃત્તિ લઈ લીધી છે.
તાપસીનો પતિ મથાયાસ બૉ ડેન્માર્કનો ભૂતપૂર્વ બૅડમિન્ટન પ્લેયર છે. 2012ની લંડન ઑલિમ્પિક્સમાં તે સિલ્વર મેડલ જીત્યો હતો. એ ઉપરાંત તે અનેક આંતરરાષ્ટ્રીય ચંદ્રકો જીત્યો છે. તે પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેવા ગયેલા ભારતના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ખેલાડીઓ સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો કોચ હતો. જોકે સાત્વિક-ચિરાગની જોડી ઑલિમ્પિક્સમાંથી વહેલી આઉટ થઈ ગયા પછી હવે મથાયાસે બૅડમિન્ટનના કોચિંગમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું હોવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે.
44 વર્ષનો મથાયાસ 2021ની ટોક્યો ઑલિમ્પિક્સ પછી સાત્વિક-ચિરાગનો કોચ બન્યો હતો. તેના કોચિંગમાં આ ભારતીય જોડી 2022ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ અને કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
આ પણ વાંચો : વિકી કૌશલના ભાઇ પર કેમ ભડકી તાપસી પન્નુ?
મથાયાસે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે, ‘કોચિંગ આપવાના મારા દિવસો હવે અહીં પૂરા થાય છે. હું હવે ભારતમાં કે બીજે ક્યાંય પણ કોચિંગ નથી આપવાનો. હમણાં તો નહીં જ. મેં બૅડમિન્ટન માટે ઘણો સમય આપ્યો અને કોચ તરીકેના ઘણા સ્ટ્રેસના દિવસો પણ મેં અનુભવ્યા. હું હવે થાકી ગયો છું.’
મથાયાસ સાથે તાપસીએ માર્ચમાં લગ્ન કર્યા હતા. તાપસીએ પૅરિસમાં 37મો બર્થ-ડે ઉજવ્યો હતો. તેણે પતિની નિવૃત્તિની જાહેરાતને પગલે ઇન્સ્ટાગ્રામ પર રડી રહેલા ઇમોજી સાથે મજાકમાં લખ્યું, ‘હાસ્તો, તમે હવે પરણેલા છો એટલે તમારે અંગત જીવનમાં કમબૅક તો કરવું જ પડે. મારે રોજ ડિનર તૈયાર કરવા અને સાફસફાઈ માટે કામ પરથી ઘરે પાછા આવી જવું પડે છે. એટલે હવે તમે જ વિચારો મારી કેવી હાલત થતી હશે!’