ટીમ ઇન્ડિયાના હકની એશિયા કપની ટ્રોફી ક્યાં છે? નકવીએ સ્ટાફને કહી દીધું છે કે… | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025

ટીમ ઇન્ડિયાના હકની એશિયા કપની ટ્રોફી ક્યાં છે? નકવીએ સ્ટાફને કહી દીધું છે કે…

લાહોરઃ 28મી સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાન (Pakistan)ને સતત ત્રીજી કડક લપડાક આપ્યા બાદ ભારતીય ટીમે એશિયા કપ (Asia Cup) ટૂર્નામેન્ટ જીતી લીધી હતી અને પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પાકિસ્તાની ચીફ મોહસિન નકવી (Naqvi)ના હાથે જે ટ્રોફી સ્વીકારવાની ના પાડી હતી એ ટ્રોફી દુબઈમાં એસીસીના હેડક્વૉર્ટરના બંધ કબાટમાં રાખવામાં આવી છે અને એના પર દેખરેખ રાખનાર સ્ટાફને કહેવામાં આવ્યું છે કે એસીસીના ચૅરમૅન નકવીની પરવાનગી વિના એ ટ્રોફી બીજે ક્યાંય પણ ન મૂકવી અને કોઈને આપવી પણ નહીં.

સૂર્યકુમાર યાદવ અને તેના સાથીઓએ નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાની મનાઈ કરી ત્યાર બાદ મેદાન પર વિજેતા ટીમ ઇન્ડિયાને ઘણી વાર સુધી રાહ જોવડાવવામાં આવી હતી અને નકવીના કહેવાથી અધિકારીઓ ટ્રોફી તેમ જ કેટલાક મેડલ લઈને મેદાન પરથી જતા રહ્યા હતા. ત્યારથી એ ટ્રોફી એસીસીના કપબોર્ડમાં પડી છે.

નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચીફ અને પાકિસ્તાનના આંતરિક બાબતોને લગતા ખાતાના પ્રધાન પણ છે.

નકવીએ એસીસીના સ્ટાફને સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે જ્યારે ટ્રોફી માગવામાં આવશે ત્યારે માત્ર તેઓ (નકવી) જ ભારતીય ટીમને અથવા બીસીસીઆઇને ટ્રોફી સુપરત કરશે.

બની શકે કે નકવી જ્યાં સુધી એસીસીના અધ્યક્ષસ્થાને હશે ત્યાં સુધી આ ટ્રોફી પર કબજો જાળવી રાખશે અને તેમને હોદ્દા પરથી દૂર કરાશે ત્યારે બની શકે કે તેઓ ભારતના હકની આ ટ્રોફી ક્યાંક ગુમ કરી નાખશે કે જેથી કરીને તેમના અનુગામી કે બીજું કોઈ ભારતને આ ટ્રોફી ક્યારેય આપી જ ન શકે.

આવતા મહિને આઇસીસીની બેઠકમાં બીસીસીઆઇ નકવીના આ ગેરવર્તન વિશે સત્તાવાર ફરિયાદ કરશે અને તેને આઇસીસીમાંથી ડિરેકટરના હોદ્દા પરથી પણ હટાવડાવી દેશે.

ભારતીય ટીમ કે બીસીસીઆઇ કોઈ પણ કાળે નકવીના હાથે ટ્રોફી નહીં સ્વીકારે, કારણકે તેઓ દુશ્મન-દેશ પાકિસ્તાનના છે અને પાકિસ્તાન આતંકવાદીઓને પંપાળતો દેશ છે.

આપણ વાંચો : વિરાટ-રોહિત વર્લ્ડ કપ 2027માં રમશે! અજિત અગરકરની સલાહ પર કર્યો આવો નિર્ણય

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button