T20 એશિયા કપ 2025

એશિયા કપમાં ભારત માટે આજે અજમાયશનો દિવસ

દુબઈઃ ટી-20 એશિયા કપમાં ભારત ફાઇનલમાં પહોંચી ગયું હોવાથી આજે (રાત્રે 8.00 વાગ્યાથી) શ્રીલંકા (SriLanka) સામે રમાનારી સુપર-ફોર રાઉન્ડની આખરી મૅચમાં હેડ-કોચ ગૌતમ ગંભીર તથા કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ટીમમાં પ્લેયરો વચ્ચેના કૉમ્બિનેશનની બાબતમાં કેટલાક અખતરા કરશે તો નવાઈ નહીં લાગે. જોકે સૂર્યકુમારે છેલ્લી બે મૅચમાં બૅટિંગ-ઑર્ડરમાં જે ફેરફારો કર્યા એ જોતાં તે બહુ જોખમ નહીં ઉઠાવે એવું માનવામાં આવે છે.

ભારત (India) અને પાકિસ્તાન વચ્ચે રવિવારે દુબઈમાં જ (રાત્રે 8:00 વાગ્યાથી) ફાઈનલ જંગ ખેલાશે.

કૅચ નહીં છૂટે તો જીત પાક્કી

દુબઈમાં શ્રીલંકા એક વખત (2022માં) ભારતને હરાવી ચૂક્યું છે. આજે ભારતીય બૅટ્સમેનો વિકેટ નહીં ફેંકે અને જેમ બુધવારે બાંગ્લાદેશ સામેની મૅચમાં પાંચ કૅચ છોડ્યા એમ ખરાબ ફીલ્ડિંગ નહીં કરે તો શ્રીલંકા સામે વિજય પાક્કો જ સમજો. સ્પિનર વરુણ ચક્રવર્તીની બોલિંગમાં જ કેટલાક કૅચ છૂટ્યા હતા અને વરુણે પત્રકારો સાથેની વાતચીતમાં કૅચ ડ્રૉપ થવાના મુદ્દે કહ્યું હતું કે ` આટલા બધા ઊંચા સ્તરે પહોંચી ગયા પછી કૅચ છૂટે એ ટીમના હિતમાં ન કહેવાય. કોઈ બહાના ન ચાલે. અમે ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ ગયા છીએ એટલે કૅચ ઝીલવાની પૂરતી પ્રૅક્ટિસ થવી જ જોઈએ. એક પણ કૅચ ન છૂટવો જોઈએ.’

ફ્લડલાઈટ્સના ટાવર ઊંચા નથી

દુબઈના સ્ટેડિયમની ફ્લડલાઇટ્સ બહુ ઊંચા ટાવર પર નથી. આ લાઇટ ફૂટબૉલના ગ્રાઉન્ડમાં હોય એવી લાગે છે. વરુણે એ વિશે કહ્યું હતું કે ` દુબઈના સ્ટેડિયમમાં રિંગ ઑફ ફાયરને લીધે ઊંચો બૉલ પારખવામાં થોડી તકલીફ થાય છે. જોકે એ લાઇટમાં રમવાની આદત પાડવી જ જોઈશે.’

પાંચ મુકાબલામાં કોણ કેવી રીતે આગળ

છેલ્લા પાંચ ટી20 મુકાબલામાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. છેલ્લે 2024ની 30મી જુલાઈએ શ્રીલંકા સામેની ભારતની મૅચ ટાઇ થઈ હતી અને સુપરઓવરમાં ભારતે વિજય મેળવ્યો હતો. એ અગાઉની (2023-’24ની) ત્રણ ટી-20માં ભારતે શ્રીલંકાને માત આપી હતી અને એ પહેલાં 2023માં શ્રીલંકા સામે ભારતનો પરાજય થયો હતો.

જિતેશ/રિન્કુને અજમાવવાનો છેલ્લો મોકો

ભારતીય ટીમમાં વિકેટકીપર સંજુ સૅમસનના સ્થાને હાર્ડ-હિટર અને વિકેટકીપર જિતેશ શર્માને આજે અજમાવાશે તો નવાઈ નહીં લાગે. બીજા પિંચ-હિટર રિન્કુ સિંહને પણ અજમાવવાની આજે ગૌતમ ગંભીર તથા સૂર્યકુમારને તક છે. જિતેશ અને રિન્કુ માત્ર એવા બે ખેલાડી છે જેમને આ એશિયા કપમાં નથી રમવા મળ્યું. સુપર-ફોરમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે પરાજિત થનાર શ્રીલંકાની ટીમ ફાઇનલની રેસની બહાર થઈ ગઈ છે.

શ્રીલંકા પાસે પણ ઘણા મૅચ વિનર્સ

સૂર્યકુમાર યાદવના સુકાનમાં એશિયા કપમાં રમી રહેલી ભારત ટીમ પાસે એક એકથી ચડે એવા મૅચ વિનર છે. જોકે ફાઇનલની દોડમાંથી બહાર ફેંકાઈ ગયેલા શ્રીલંકાના ખેલાડીઓ (સિંહાલીઓ) ઘવાયેલા સિંહની જેમ આજે ભારત પર તૂટી પડશે. તેમની પાસે પણ ઘણા એવા ખેલાડીઓ છે જે વર્લ્ડ નંબર-વન ભારત સામે વિજય અપાવી શકે. ચરિથ અસલન્કા શ્રીલંકાનો કૅપ્ટન છે અને ટીમના જાણીતા ખેલાડીઓમાં પથુમ નિસન્કા, વિકેટકીપર કુસાલ મેન્ડિસ, કુસાલ પરેરા, દાસુન શનાકા, કામિન્ડુ મેન્ડિસ, વનિન્દુ હસરંગા, દુનિથ વેલ્લાલાગે, નુવાન થુશારા, ચમીરા, મથીશા પથિરાના તથા માહીશ થીકશાનાનો સમાવેશ છે.

આપણ વાંચો:  એશિયા કપના ફાઈનલમાં પહેલીવાર ભારત vs પાકિસ્તાન; જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button