ઇલેક્ટ્રિશ્યનનો દીકરો બન્યો દેશનો હીરોઃ તિલક વર્મા ઘણા સંઘર્ષોમાંથી પસાર થઈ ચૂક્યો છે

હૈદરાબાદઃ તિલક વર્મા (Tilak Verma) રવિવારે એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારે દબાણ અને અપેક્ષા વચ્ચે અણનમ 69 રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો અને ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો. પાકિસ્તાન સામે એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં પહેલી જ વખત ફાઇનલ રમાઈ અને એમાં ભારતે બે બૉલ તથા પાંચ વિકેટ બાકી રાખીને વિજય મેળવ્યો હતો. સાધારણ બૅકગ્રાઉન્ડમાંથી આવેલા તિલકની ક્રિકેટ-સફરમાં તેના કોચ સલામ બાયશની મોટી ભૂમિકા રહી છે. તેમણે તિલકને આર્થિક અને વ્યક્તિગત સ્તર પર તેનો સાથ આપ્યો હતો.
તિલક વર્મા લાંબી ઇનિંગ્સ રમ્યો હતો અને છેક સુધી ક્રીઝમાં ટકી રહીને મૅચ ફિનિશ કરાવીને રહ્યો હતો. આ ઐતિહાસિક ઇનિંગ્સ બાદ તિલકને હીરો જેવું સન્માન મળી રહ્યું છે. જોકે આઇપીએલમાં માત્ર મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) વતી જ રમતા તિલક વિશે તમે જાણો છો કે ક્રિકેટમાં ઊંચાઈ સુધી પહોંચવામાં તેણે અને તેને આ સ્તર સુધી પહોંચાડવામાં તેના પરિવારે કેટલા બધા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો?
ઇલેક્ટ્રિશ્યન (Electrician)નો પુત્ર તિલક પ્રોફેશનલ ક્રિકેટમાં ઝુકાવશે એ નક્કી નહોતું, પરંતુ એક કોચના અતૂટ સમર્થન અને સપોર્ટને લીધે તે ટોચના ક્રિકેટરોમાં ગણાવા લાગ્યો છે.
આ પણ વાંચો: ભારત સામે પાકિસ્તાનની કોઈ બરાબરી જ નથી, આપણી ટીમ સામે એ ટકવાને લાયક જ નથીઃ તિલક વર્મા…
આઇપીએલમાં દર વર્ષે મળે આઠ કરોડ રૂપિયા
તિલક 2022ની સાલથી મુંબઈ ઇન્ડિન્સના ફ્રૅન્ચાઇઝી તરફથી દરેક સીઝનના આઠ કરોડ રૂપિયા મેળવે છે. એમઆઇએ તેને સૌથી પહેલાં 2022માં 1.70 કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો અને ત્યારથી તે એમઆઇ વતી જ રમે છે. આ ફ્રૅન્ચાઇઝીની ટીમ પાંચ વખત ચૅમ્પિયન બની ચૂકી છે.
બાવીસ વર્ષનો તિલક હૈદરાબાદનો છે. તેનો ઉછેર સાધારણ પરિવારમાં થયો હતો. તેના પિતા નમ્બૂરી નાગરાજુ ઇલેક્ટ્રિશ્યન હતા. તેના મમ્મીનું નામ ગાયત્રી દેવી છે જેઓ ગૃહિણી છે. તિલકને નાનપણમાં ક્રિકેટનો માત્ર શોખ નહોતો, તેનામાં ક્રિકેટ શીખવા અને એમાં આગળ વધવા વિશે ઝનૂન પણ હતું. તેના પિતાએ કહ્યું છે કે તિલક હંમેશાં પ્લાસ્ટિકનું બૅટ પોતાની પાસે રાખતો અને રાત્રે એ બૅટ પોતાની પાસે રાખીને સૂતો હતો.
ટેનિસ બૉલનો હીરો સીઝન બૉલમાં સુપર હીરો
તિલકને એકવાર સલામ બાયશ નામના કોચે ટેનિસ બૉલથી રમતો જોયો ત્યારે તેના શૉટ મારવાના ટાઇમિંગ તેમ જ હેડ-આઇ કૉઑર્ડિનેશનથી પ્રભાવિત થઈ ગયા હતા. તિલક ઍકેડેમીમાં સીઝન બૉલ સામે રમીને તાલીમ લેવાની સ્થિતિમાં નહોતો ત્યારે બાયશે પોતે તેના મમ્મી-પપ્પાને સમજાવ્યા અને પોતાના ખર્ચે તિલકને તાલીમ અપાવવાની જવાબદારી ઉપાડી હતી. શરૂઆતમાં તિલક રોજ 10 કિલોમીટર દૂર બાયશ પાસે પહોંચતો અને ત્યાંથી તેઓ 40 કિલોમીટર દૂર ઍકેડેમીમાં જતા હતા. થોડા સમય બાદ બાયશે તિલકના મમ્મી-પપ્પાને સમજાવીને તેના (તિલકના) ઍકેડેમીની નજીક રહેવા માટેની વ્યવસ્થા કરી હતી. તાલીમ બાદ તે સ્થાનિક ટૂર્નામેન્ટોમાં છવાઈ ગયો હતો. તે દરરોજ 12 કલાક અભ્યાસ કરતો હતો. ત્યાર બાદ તે રાજ્ય સ્તરની અને રાષ્ટ્રીય સ્તરની તેમ જ આઇપીએલમાં પણ ચમકી ગયો હતો. તેણે 2023માં ભારત વતી વન-ડે તથા ટી-20માં ડેબ્યૂ કર્યું હતું.