ભારત આટલું વહેલું પહેલી જ વખત જીત્યું! | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025

ભારત આટલું વહેલું પહેલી જ વખત જીત્યું!

યુએઈને 57 રનમાં આઉટ કર્યા પછી 4.3 ઓવરમાં ભારતે ખેલ ખતમ કર્યો, બીજા ઘણા વિક્રમ બન્યા

દુબઈ: બુધવારે અહીં ટી-20 એશિયા કપ (Asia cup)માં ચેમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ભારત (India)ને યજમાન યુએઈ (UAE)ની ટીમ થોડીઘણી લડત આપશે જ એવું મનાતું હતું, પરંતુ યુએઈનું ટાંઈ ટાંઈ ફિસ થઈ ગયું હતું કારણકે મુહમ્મદ વસીમની ટીમ માત્ર 13.1 ઓવરમાં 57 રનના કુલ સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે એક જ વિકેટે 60 રન કરીને વિજય મેળવ્યો હતો. આ મૅચમાં ભારતીય ટીમે સૌથી વહેલી જીત મેળવવા સહિત ઘણા વિક્રમ રચ્યા હતા:

(1) 13.1 ઓવર (79 બૉલમાં) યુએઈની ટીમનો 57 રનના સ્કોર પર વીંટો ગયો હતો. ભારતે 4.3 ઓવરમાં (27 બૉલમાં) એક વિકેટે 60 રન કરીને મૅચ જીતી લીધી હતી. આ મૅચ કુલ 106 બૉલમાં પૂરી થઈ ગઈ હતી અને ભારતે જીતી હોય એવી મૅચોમાં આ સૌથી ટૂંકી હતી. આખી મૅચ 17.4 ઓવર સુધી ચાલી હતી. આ અગાઉ ભારતનો રેકોર્ડ સ્કોટલેન્ડ સામે હતો. 2021માં એ મૅચ 24.1 ઓવરમાં પૂરી થઈ હતી.

(2) ભારતે 93 બૉલ બાકી રાખીને વિજય મેળવ્યો હતો. પુરુષોની ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ બૉલ બાકી રાખીને મૅચ જીતી લીધી હોય એમાં ભારતનો આ વિજય સૌથી મોટો હતો. આ પહેલાંના રેકૉર્ડમાં ભારતે 2021ના વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડને 81 બૉલ બાકી રાખીને હરાવ્યું હતું.

(3) યુએઈના 57 રન મેન્સ ટી-20માં ભારત સામેનો સૌથી નીચો ટીમ-સ્કોર છે. ભારતનો આ અગાઉનો રેકોર્ડ ન્યૂ ઝીલેન્ડ સામે હતો જેમાં 2023માં અમદાવાદમાં ભારતે 235 રન કર્યા પછી કિવીઓને 66 રનમાં ઑલઆઉટ કરી નાખ્યા હતા.

(4) યુએઈના બુધવારના 57 રન મેન્સ ટી-20 એશિયા કપમાં બીજા નંબરનો સૌથી નીચો સ્કોર છે. હોંગ કોંગના પાકિસ્તાન સામેના 38 રન આ રેકોર્ડ બુકમાં લોએસ્ટ સ્કોર છે.

(5) સ્પિનર કુલદીપ યાદવની 7 રનમાં 4 વિકેટ મેન્સ ટી-20 એશિયા કપમાં સેકન્ડ બેસ્ટ બોલિંગ ઍનેલિસિસ છે. આ યાદીમાં ભુવનેશ્વર કુમાર (2022માં અફઘાનિસ્તાન સામે 4 રનમાં 5 વિકેટ) મોખરે છે.

(6) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત લાગલગાટ 15 મૅચમાં ટૉસ હાર્યું હતું. બુધવારે છેક 16મી મૅચમાં ભારતને ટૉસ જીતવા મળ્યો હતો. પુરુષોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ એક જ દેશ સતત 15 વખત ટૉસ હાર્યો હોય એવું પહેલી વખત બન્યું છે અને ભારતના નામે આ વિશ્વવિક્રમ અંકિત થયો છે.

આપણ વાંચો:  ભારત-પાક ક્રિકેટ મેચ રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી; જાણો કોર્ટે શું કહ્યું

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button