એશિયા કપ સુપર-4માં પાકિસ્તાનનું ખૂલ્યું ખાતું, તેમ છતાં આ મામલે ભારતથી પાછળ

દુબઈઃ એશિયા કપ 2025નું ફાઇનલમાં કઇ બે ટીમો ટકરાશે તેનો ફેંસલો સુપર-4 રાઉન્ડ ખતમ થયા બાદ જ થશે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ સુપર-4 રાઉન્ડમાં સ્થાન બનાવી ને ફાઇનલની રેસમાં દાવેદારી નોંધાવી છે. આ રાઉન્ડની 3 મેચ પૂરી થયા બાદ સ્થિતિ રોમાંચક બની છે.
ચારમાંથી ત્રણ ટીમે એક-એક મેચ જીતી છે. ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાને આ રાઉન્ડમાં પ્રથમ જીત નોંધાવી છે અને પોઇન્ટ્સ ટેબલમાં ખાતું ખોલ્યું છે. પાકિસ્તાને ધમાકેદાર જીત સાથે ન માત્ર ખોલ્યું પણ સીધી જ બીજા સ્થાને પહોંચી હતી.
શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં 8 વિકેટના નુકસાન પર 133 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 18 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. જીત સાથે પાકિસ્તાને પોઇન્ટ ટેબલમાં પણ છલાંગ લગાવી હતી.
હાલ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ત્રણેયના 2-2 પોઇન્ટ છે. પરંતુ નેટ રન રેટના કારણે ત્રણેયની સ્થિતિમાં મોટો તફાવત છે. ટીમ ઈન્ડિયા 0.689 નેટ રન રેટ સાથે પ્રથમ, પાકિસ્તાન 0.226 નેટ રન રેટ સાથે બીજા અને બાંગ્લાદેશ 0.121 નેટ રન રેટ સાથે ત્રીજા ક્રમે છે.
શ્રીલંકાની આશા ખતમ?
ભારત સામેની આ હારથી શ્રીલંકાની ફાઇનલમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ભારતની જેમ જ ટાઇટલના દાવેદારોમાંની એક શ્રીલંકાની સુપર-4માં આ સતત બીજી હાર છે અને તે કોઈ પણ પોઈન્ટ વગર છેલ્લા સ્થાને છે. હવે તેની આશાઓ બાંગ્લાદેશ પર ટકેલી છે.
જો બાંગ્લાદેશ પોતાની આગામી બંને મેચમાં ભારત અને પાકિસ્તાનને હરાવી દે અને પછી શ્રીલંકા પોતે પોતાની છેલ્લી મેચમાં ટીમ ઇન્ડિયાને હરાવી દે તો બાંગ્લાદેશ 6 પોઈન્ટ સાથે ફાઇનલમાં પહોંચી જશે. જ્યારે, પાકિસ્તાન, ભારત અને શ્રીલંકા 2-2 પોઈન્ટ્સ સાથે બરાબરી પર રહેશે અને પછી નેટ રનરેટથી ફાઇનલનો નિર્ણય થશે.
આ પણ વાંચો…પાકિસ્તાન જીત્યું, ભારત સામે વધુ એક જંગની તૈયારી