પાકિસ્તાની ક્રિકેટરે આઇસીસીની સુનાવણીમાં ધોની-વિરાટના નામ લીધા!

દુબઈઃ પાકિસ્તાનના ઓપનર સાહિબઝાદા ફરહાને 21મી સપ્ટેમ્બરે દુબઈના મેદાન પર ભારત સામે હાફ સેન્ચુરી ફટકાર્યા પછી જે ` ગન સેલિબ્રેશન’ કર્યું એ બદલ (ઑન-ફીલ્ડ જશન બદલ) તેને મૅચ રેફરી રિચી રિચર્ડસને સુનાવણી (hearing)માં બોલાવ્યો એમાં તેણે સજાથી બચવા માટે મહેન્દ્રસિંહ ધોની (Dhoni) અને વિરાટ કોહલી (Kohli)ના નામ લીધા હતા.
સાહિબઝાદાએ 50 રન પૂરા કર્યા પછી ઊંધુ બૅટ હાથ પર રાખીને ફાયરિંગ કરતો હોય એવી ઍક્શનમાં હાફ સેન્ચુરી ઉજવી હતી. તેણે સુનાવણી દરમ્યાન પોતાની આ ઉજવણીને રાજનીતિ-પ્રેરિત હોવાનો આક્ષેપ નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે આવી ઍક્શન કરીને તેનો ઇરાદો રાજનીતિલક્ષી સંદેશ આપવાનો નહોતો.
એક જાણીતી વેબસાઇટના અહેવાલ મુજબ સાહિબઝાદાએ અગાઉના ઉદાહરણોમાં ધોનીનું અને વિરાટનું નામ લીધું હતું જેમાં સાહિબઝાદાએ કહ્યું હતું કે આ બે ખેલાડીઓએ ભૂતકાળમાં આ જ રીતે ગનનો સંકેત આપીને પોતાની સિદ્ધિ ઉજવી હતી.
સાહિબઝાદાએ મૅચ રેફરીને એવું પણ જણાવ્યું હતું કે આ પ્રકારનું જેસ્ચર અમારી સંસ્કૃતિનો હિસ્સો છે અને સામાન્ય રીતે અમે ખુશીના અવસરે કે લગ્નોમાં આવી ઍક્શન કરતા હોઈએ છીએ.
રવિવારની ભારત સામેની એ જ મૅચમાં બોલર હારિસ રઉફે બાઉન્ડરી લાઇનની નજીક ઊભા રહીને પાકિસ્તાન-તરફી પ્રેક્ષકોને ખુશ કરવા ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા હોવાની ઍક્શન કરી હતી તેમ જ 6.0નો સંકેત આપીને તે એવું કહેવા માગતો હતો કે તાજેતરના યુદ્ધમાં પાકિસ્તાને ભારતના છ લડાયક વિમાન તોડી પાડ્યા હતા.
જોકે હકીકતમાં પાકિસ્તાન એવું કંઈ જ નહોતું કરી શક્યું અને સોશ્યલ મીડિયામાં ઘણા અઠવાડિયાથી પાકિસ્તાન દ્વારા છ ફાઇટર જેટના કિસ્સા સહિત ભારત-વિરોધી પ્રચાર ચાલી રહ્યો છે.
રઉફે મૅચ રેફરીને સુનાવણીમાં કહ્યું હતું કે તેનો 6.0નો ઇશારો ભારત સાથે જોડાયેલો નહોતો. સુનાવણીમાં રઉફે સામો સવાલ કર્યો, 6.0નો અર્થ જ શું છે? એને ભારત સાથે કેવી રીતે જોડી શકાય?
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાનના આ બન્ને ખેલાડી (સાહિબઝાદા અને રઉફ)એ આઇસીસીના દંડના ફેંસલાનો સામનો કદાચ કરવો પડશે. આ દંડ મૅચ ફીના 50 ટકાથી 100 ટકા જેટલો હોઈ શકે.
ગુરુવારે બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો 11 રનથી વિજય થયો હતો અને હવે રવિવારે ફાઇનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે આ ટૂર્નામેન્ટમાં ત્રીજો જંગ થવાનો છે.
આ પણ વાંચો…‘ફાઈનલ મેચનું પરિણામ જ મહત્વનું રહેશે’ પાકિસ્તાન ટીમના કોચે ભારતને પડકાર ફેંક્યો