પાકિસ્તાન નહીં સુધરે! હવે નવા નાટકમાં આ ભારતીય ખેલાડી વિરુદ્ધ કરી ફરિયાદ | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025

પાકિસ્તાન નહીં સુધરે! હવે નવા નાટકમાં આ ભારતીય ખેલાડી વિરુદ્ધ કરી ફરિયાદ

દુબઈઃ એશિયા કપની ભારત સામેની ફાઇનલ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આઇસીસીમાં ભારતના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અને શુક્રવારની શ્રીલંકા સામેની સુપર ઓવરના સ્ટાર બોલર અર્શદીપ સિંહ (ARSHDEEP SINGH) વિરુદ્ધ ફરિયાદ કરી છે.

પીસીબીનો આરોપ છે કે અર્શદીપે કેટલાક અપમાનજનક ઇશારા કર્યા હતા. આ જાણકારી પાકિસ્તાની મીડિયા મારફત વાઇરલ થઈ છે અને આખો મામલો 21મી સપ્ટેમ્બરે સુપર-ફોર મુકાબલો પૂરો થયો ત્યાર પછીનો છે. પીસીબીની એવી ફરિયાદ છે કે પ્રેક્ષકો તરફ અપમાનજનક ઇશારા કર્યા હતા.

આ પણ વાંચો: IND vs PAK એશિયા કપ ફાઇનલ; પાકિસ્તાનના આ 5 ખેલાડીઓ બાજી પલટી શકે છે

પીસીબીએ આઇસીસીને એવું જણાવ્યું છે કે ` અર્શદીપે આઇસીસીની આચારસંહિતાનો ભંગ કર્યો છે. અર્શદીપનો ઇશારો અનૈતિક હતો અને તેણે ખેલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે એટલે તેની સામે સખત પગલાં ભરવામાં જોઈએ.’

14મી સપ્ટેમ્બર અને 21મી સપ્ટેમ્બરની મૅચમાં કેટલીક ઘટનાઓ ચર્ચાસ્પદ થઈ હતી જેમાં બન્ને દેશના ક્રિકેટ બોર્ડ તરફથી એકમેકના કેટલાક ખેલાડીઓ વિરુદ્ધ મૅચ રેફરીને ફરિયાદ કરવામાં આવી હતી. ભારતની ફરિયાદને પગલે પાકિસ્તાનના ઓપનર સાહિબઝાદા ફરહાનને માત્ર ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો હતો, જ્યારે હારિસ રઉફને 30 ટકા મૅચ ફીનો દંડ કરાયો હતો. એ જ રીતે, સૂર્યકુમાર યાદવને પણ 30 ટકા મૅચ ફીનો દંડ કરાયો છે જેની સામે બીસીસીઆઇએ આઇસીસીમાં અપીલ કરી છે. સૂર્યકુમારે 14મી સપ્ટેમ્બરની પાકિસ્તાન સામેની જીત પહલગામના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા હિન્દુ સહેલાણીઓ તેમ જ તેમના પરિવારોને અને ભારતીય સશસ્ત્ર સેનાને સમર્પિત કરી હતી એને પાકિસ્તાને રાજનીતિ-પ્રેરિત ટિપ્પણી ગણાવીને સૂર્યકુમાર વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button