પાકિસ્તાનના સાહિબઝાદા અને રઉફને અટકચાળો ભારે પડ્યો, બીસીસીઆઈએ આઈસીસીમાં કરી ફરિયાદ

દુબઈ: પાકિસ્તાનનો ઓપનર સાહિબઝાદા ફરહાન અને હારિસ રઉફ મોટી મુશ્કેલીમાં આવી રહ્યા છે, કારણકે રવિવારે તેમણે ભારત સામે સુપર-ફોર રાઉન્ડની મૅચમાં જે ઉશ્કેરણીજનક તેમ જ ક્રિકેટની ભાવનાથી વિપરીત અટકચાળા કર્યા હતા એ સામે બીસીસીઆઈ (BCCI)એ આઇસીસીમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. જો આ બંને પાકિસ્તાની ખેલાડીઓ લેખિતમાં પોતાની સામેના આક્ષેપ નકારશે તો આઇસીસીના મૅચ રેફરી રિચી રિચર્ડસન દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે. એ સુનાવણીમાં આ બંને ખેલાડી પોતાની કરતૂત કાયદા વિરુદ્ધ નહોતી એવું સાબિત કરવામાં નિષ્ફળ જશે તો તેમને દંડ કરાશે અથવા અમુક મૅચોમાં તેમના રમવા પર પ્રતિબંધ પણ મુકાઈ શકે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિયમ અનુસાર ક્રિકેટના મેદાન પર કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી કે હરીફ ખેલાડી અથવા પ્રેક્ષકને ઉશ્કેરવા જેવો ચેનચાળો કરવાની છૂટ નથી. જો કોઈ ખેલાડી આવું કરે અને તેનો ગુનો સાબિત થાય તો તેને આઈસીસી દ્વારા સજા થઈ શકે છે.
સાહિબઝાદા અને રઉફે શું કર્યું હતું?
21મી સપ્ટેમ્બરની મૅચમાં સાહિબઝાદા ફરહાને હાફ સેન્ચુરી પૂરી કર્યા પછી બૅટને પોતાના હાથ પર રાઇફલની જેમ ઊંધું રાખીને ‘ ગન સેલિબ્રેશન’થી પાકિસ્તાન તરફી પ્રેક્ષકો તથા ટીવી દર્શકોને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર ભારતમાં તેમ જ સોશિયલ મીડિયામાં તેની આ ઍક્શનની ખૂબ ટીકા થઈ હતી. ભારતભરમાં તેની હાંસી ઉડાવવામાં આવી હતી અને મીડિયામાં સાહિબઝાદા (SAHIBZADA) વિશે એવી કમેન્ટ કરવામાં આવી હતી કે ‘ એ મૂરખે ટ્રિગરથી પોતાને જ નિશાન બનાવતો હોય એ રીતે બૅટ પકડ્યું હતું.’
ભારતની બૅટિંગ દરમ્યાન ફીલ્ડિંગ કરતી વખતે હારિસ રઉફે (HARIS RAUF) ભારતના ફાઈટર જેટ તોડી પાડ્યાની ઍક્શન કરીને ભારતના હવાઈ દળની હાંસી ઉડાવી હતી. તેણે 6.0નો સંકેત આપ્યો હતો જેમાં તે એવું કહેવા માગતો હતો કે ‘ ઑપરેશન સિંદૂર’ દરમ્યાન પાકિસ્તાને ભારતના 6 ફાઈટર જેટ તોડી પાડ્યા હતા.
જોકે હકીકત એ છે કે ભારતના છ લડાયક વિમાનો તોડી પાડ્યા હોવાનો ખોટો પ્રચાર પાકિસ્તાન મહિનાઓથી કરી રહ્યું છે. બીજું સત્ય એ પણ છે કે ત્રણ દિવસના જંગમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓનો અને પાકિસ્તાનના હવાઈ દળના મથકોનો નાશ કર્યો હતો.
દરમ્યાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ આઇસીસીમાં ફરિયાદ કરી હોવાનું જણાયું છે. પીસીબી (PCB)ની એવી ફરિયાદ છે કે મૅચ પછી સૂર્યકુમારે ભારતનો વિજય પહલગામમાં એપ્રિલ મહિનાના બનાવવામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સમર્પિત કરીને (ક્રિકેટને રાજકીય સ્વરૂપ આપીને) ક્રિકેટની ભાવનાને ઠેસ પહોંચાડી હતી.
જોકે વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાની ખેલાડીઓ સાહિબઝાદા અને હારિસ રઉફે ક્રિકેટના મેદાન પર ક્રિકેટની ભાવનાને ઠેસ પહોંચાડતો અટકચાળો કર્યો હતો, જયારે સૂર્યકુમારે ગ્રાઉન્ડ પર કોઈ અભદ્ર વર્તન કે કમેન્ટ નહોતા કર્યાં, પરંતુ મેદાનની બહાર (પ્રેસ કૉન્ફરન્સમાં) પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
રવિવારની મૅચમાં એક સમયે સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી જેમાં બોલર હારિસ રઉફે ઉશ્કેરણીજનક કમેન્ટ કરી એટલે બૅટ્સમૅન અભિષેક શર્મા ગુસ્સે થયો હતો અને તેને સામું સંભળાવી દીધું હતું. મામલો વધી જતાં અમ્પાયરે બન્નેને શાંત પાડવા પડ્યા હતા.
રવિવારે પાકિસ્તાન સામે ફાઈનલ જંગ?
ભારત એશિયા કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. શ્રીલંકા ફાઇનલની રેસ માટેની સ્પર્ધાની બહાર થઈ ગયું છે. આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મૅચમાં જે ટીમ જીતશે એ ટીમ રવિવારે ભારત સામે ફાઈનલ રમશે.
આપણ વાંચો: જો આ ભૂલો નહીં સુધારે તો ફાઇનલમાં હારી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો વિગત