પાકિસ્તાન જીત્યું, ભારત સામે વધુ એક જંગની તૈયારી

અબુ ધાબીઃ એશિયા કપ (Asia cup)ના સુપર-ફોર રાઉન્ડમાં મંગળવારે શ્રીલંકા (8/133) સામે પાકિસ્તાન (18 ઓવરમાં 5/138)નો પાંચ વિકેટે વિજય થયો હતો. તલતે (Talat) અણનમ 32 રન અને નવાઝે (Nawaz) અણનમ 38 રન કર્યા હતા. રવિવારની ફાઇનલમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન જંગ (હૅટ-ટ્રિક મુકાબલો) થવાની સંભાવના છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ માટે ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ છે.
કૅપ્ટન સલમાન આગાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. પાકિસ્તાને ભારત સામેની રવિવારની મૅચની જ પ્લેઇંગ-ઇલેવન જાળવી રાખી હતી. શ્રીલંકાએ દુનિથ વેલ્લાલાગે (જેના પિતાનું થોડા દિવસ પહેલાં અવસાન થયું હતું) અને કામિલ મિશારાના સ્થાને માહીશ થીકશાના અને ચમિકા કરુણારત્નેને ઇલેવનમાં સમાવ્યા હતા. શ્રીલંકાને પૂંછડિયાઓએ 133 રનનો સન્માનજનક સ્કોર અપાવ્યો હતો.
શ્રીલંકાએ ખરાબ શરૂઆત કર્યા પછી મિડલ-ઑૅર્ડરમાં પણ નિરાશાજનક પર્ફોર્મ કર્યું હતું. જોકે પછીથી નીચલા ક્રમના બૅટ્સમેનોએ ટીમને 20 ઓવરમાં 8/133નો સન્માનજનક સ્કોર અપાવ્યો હતો. એકમાત્ર કામિન્ડુ મેન્ડિસ (50 રન) હાફ સેન્ચુરી ફટકારી શક્યો હતો.
એક તબક્કે શ્રીલંકાએ 80 રનમાં છ વિકેટ ગુમાવી હતી, પરંતુ હસરંગા (15 રન) અને ચામિકા કરુણારત્ને (17 અણનમ)એ ટીમનો સ્કોર સવાસો પાર કરાવવામાં થોડું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાનના મુખ્ય બોલર શાહીન આફ્રિદીએ ત્રણ અને (રવિવારે અભિષેકને ઉશ્કેર્યા પછી તેની સાથે દલીલબાજી કરનાર) હારિસ રઉફ તથા હુસેન તલતે બે-બે વિકેટ લીધી હતી.