ભારતનો જયજયકાર...
T20 એશિયા કપ 2025Top News

ભારતનો જયજયકાર…

યુદ્ધ પછી ક્રિકેટમાં પણ પાકિસ્તાનને કચડી નાખ્યુંઃ સ્પિનરોના જાદુ બાદ સૂર્યા સુપરહિટ

દુબઈઃ ભારતે અહીં એશિયા કપ (Asia cup)ના ચર્ચાસ્પદ તથા હાઈ-વૉલ્ટેજ મુકાબલામાં દુશ્મન દેશ પાકિસ્તાન (Pakistan)ને હરાવીને સુપર-ફોરમાં સ્થાન પાકું કરી લીધું હતું. ભારતે 128 રનનો નાનો લક્ષ્યાંક ત્રણ વિકેટ ગુમાવવાની સાથે થોડો મુશ્કેલ બનાવી દીધો હતો.

જોકે પાકિસ્તાનની નબળી બોલિંગ સામે ભારતની બૅટિંગ લાઇન-અપ ખૂબ ચડિયાતી સાબિત થઈ હતી. ભારતે 15.5 ઓવરમાં ત્રણ વિકેટે 131 રનના સ્કોર સાથે જીત હાંસલ કરી હતી. જીત પછી ભારતીય ખેલાડીઓએ વિજયનું સેલિબે્રશન ટાળ્યું હતું.

ભારતીય ટીમે આઇસીસીના નિયમોને આધીન રહીને જ પાકિસ્તાન સામે રમવું પડ્યું અને એ રમી લીધા બાદ ટીમમાં અંદરોઅંદર એકમેકને અભિનંદન આપીને શાંતિપૂર્વક જીત માણી હતી. દુબઈમાં ચેઝ કરનારી ટીમનું વર્ચસ્વ રહ્યું છે જે ભારતે ફરી એક વખત સાબિત કર્યું.

શરૂઆતમાં સ્ટેડિયમ ઘણું ખાલી હતું, ભારતમાં પણ લોકોમાં આ વખતે પહેલી વાર પાકિસ્તાન સામેની મૅચ માટેનો ઉત્સાહ ઘણો ઓછો હતો. ક્લબો, સોસાયટીઓમાં બિગ સ્ક્રીન પર મૅચ રાખવાનું કે માણવાનું લોકોએ મોટા ભાગે ટાળ્યું હતું.
ઓપનર અભિષેક શર્મા (31 રન, 13 બૉલ, બે સિક્સર, ચાર ફોર)એ ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી.

જ્યારે તેની વિકેટ બાદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવે (47 અણનમ, 37 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) બાજી સંભાળી હતી અને ટીમને સલામત રીતે લક્ષ્યાંક સુધી પહોંચાડી હતી. તેણે વિનિંગ સિકસર ફટકારી હતી.

સૂર્યકુમારે તક મળી ત્યારે ગેપમાં બૉલ મોકલીને ચોક્કાની મદદથી અથવા સિંગલ-ડબલ રન કરીને રનમશીન સતત ચાલુ રાખ્યું હતું. શિવમ દુબે (10 અણનમ)એ પણ સૌથી સફળ બોલર સઇમ અયુબના એક બૉલમાં સિક્સર ફટકારીને પાકિસ્તાની ટીમને જડબાતોડ જવાબ આપ્યો હતો.

એ પહેલાં, પાકિસ્તાને બૅટિંગ લીધા બાદ નવ વિકેટે ફક્ત 127 રન કર્યા હતા. કુલદીપે ત્રણ તેમ જ અક્ષર અને બુમરાહે બે-બે અને હાર્દિક તથા વરુણે એક-એક વિકેટ લીધી હતી. સાહિબઝાદાએ 40 રન અને શાહીન આફ્રિદીએ ચાર સિક્સરની મદદથી અણનમ 33 રન કર્યા હતા.

શરૂઆતમાં શુભમન ગિલે (10 રન) સ્ટમ્પિંગમાં વિકેટ ગુમાવી દેતાં પાકિસ્તાનીઓ ગેલમાં આવી ગયા હતા. જોકે છેવટે તેમણે હાર જોવી પડી. ઓપનર સઇમ અયુબ ઓછો જાણીતો સ્પિનર છે અને તે પાકિસ્તાનનું ટ્રમ્પ-કાર્ડ બન્યો અને ગિલ, અભિષેક તેમ જ તિલક વર્મા (31 રન, 31 બૉલ, એક સિક્સર, બે ફોર), ત્રણેયની વિકેટ લીધી હતી.

આ પણ વાંચો…ટૉસ વખતે ભારત-પાકિસ્તાનના કૅપ્ટને હાથ મિલાવવાનું ટાળ્યું, એકમેકની સામે પણ ન જોયું

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button