‘ ઉંગલિયાં નહીં દીખ રહી આપ કો?’… ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે પાકિસ્તાનીઓને આપ્યો જડબાતોડ જવાબ

દુબઈ: રવિવારે અહીં એશિયા કપ (Asia Cup)ના સુપર-4 મુકાબલામાં ભારતના હાથે પાકિસ્તાને તંગ વાતાવરણ વચ્ચે જોરદાર પછડાટ ખાધી એ પહેલાં એ મૅચમાં કેટલાક ચર્ચાસ્પદ કિસ્સા બની ગયા હતા જેમાં મૅચની ત્રીજી જ ઓવરમાં હાર્દિક પંડ્યાના બૉલમાં વિકેટકીપર સંજુ સૅમસને ડેન્જરસ ઓપનર ફખર ઝમાન (Fakhar Zaman)નો જે નીચો કૅચ ઝીલ્યો એને લઈને ખૂબ વિવાદ થયો છે.
કૅચ પકડતી વખતે સૅમસન (Samson)નો હાથ ઘાસ પર હતો અને બૉલ તેની આંગળીઓ પર હતો. તેણે બૉલ આંગળીઓ પર ઝીલ્યા પછી કૅચ (Catch) કમ્પ્લીટ કર્યો હતો.
સૅમસને કૅચ ઝીલ્યો હોવા છતાં અને થર્ડ અમ્પાયરે પણ કૅચઆઉટનો યોગ્ય નિર્ણય આપવા છતાં ફખરનું નાટક શરૂ થઈ ગયું હતું અને પાકિસ્તાની પ્રેક્ષકોની દમ વગરની સહાનુભૂતિ લેતો-લેતો તે પૅવિલિયનમાં પાછો આવ્યો હતો.
પાકિસ્તાનના કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ અને પાકિસ્તાન-તરફી લોકોએ સૅમસને કૅચ નહોતો જ ઝીલ્યો એવા લૂલા મંતવ્યો સોશ્યલ મીડિયામાં આપ્યા એટલે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિવેક રાઝદાને તેમને ટૂંકો જડબાતોડ જવાબ આપતા જણાવી દીધું હતું કે ‘ ઉંગલિયાં નહીં દીખ રહી આપ કો?’
વિવેક રાઝદાનનો કહેવાનો અર્થ એ જ હતો કે સૅમસને બૉલ સીધો પોતાની આંગળીઓ પર લીધો હતો અને પછી કૅચ કમ્પ્લીટ કર્યો હતો.
પાકિસ્તાનના ખુદ કેપ્ટન સલમાન આગાએ તેમ જ ભૂતપૂર્વ ખેલાડીઓ વસીમ અકરમ, વકાર યુનુસ અને શોએબ અખતરે કહ્યું હતું કે ફખર ઝમાનનો કૅચ સૅમસને ઝીલ્યો જ નહોતો.
પાકિસ્તાનના કેપ્ટન ને શું કહ્યું?
સલમાન આગાએ મૅચ બાદ કહ્યું ‘ અમ્પાયરથી ભૂલ થઈ હતી. અમ્પાયર પણ ભૂલ કરી શકે છે. સૅમસને બૉલ ઝીલ્યો એ પહેલાં બૉલ જમીનને અડી ગયો હતો.’
શોએબ અખ્તરની પણ ફરિયાદ
શોએબ અખતરે કહ્યું હતું કે ‘ થર્ડ અમ્પાયરે કેમ બે જ એન્ગલથી જોઈને નિર્ણય આપી દીધો? તેમણે બીજા ઘણા એન્ગલથી જોયા પછી જ નિર્ણય આપવો જોઈતો હતો અને જો કૅચ બાબતમાં કોઈ શંકા હોત તો તેમણે બેનિફિટ ઑફ ડાઉટ ફખરને આપવો જોઈતો હતો.
વસીમ અકરમ અને વકારે કહ્યું હતું કે ફખર આઉટ નહોતો, કારણકે સૅમસનથી તેનો કૅચ નહોતો પકડાયો. હાર્દિક પંડ્યાએ મૅચની ત્રીજી જ ઓવરમાં ફખર ઝમાનને પૅવિલિયન ભેગો કરી દીધો હતો.
ભારતનો છ વિકેટે વિજય
પાકિસ્તાને પાંચ વિકેટે 171 રન કર્યા હતા અને ભારતે 18.5 ઓવરમાં ચાર વિકેટના ભોગે 174 રન કરીને શાનદાર વિજય મેળવ્યો હતો.
આજે રેસ્ટ ડે, ભારતની આગામી મૅચો ક્યારે?
એશિયા કપમાં આજે વિશ્રામનો દિવસ છે. આવતી કાલે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થશે. ત્યાર બાદ બુધવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુપર-4ની મૅચ રમાશે.
આ પણ વાંચો…પાકિસ્તાની બોલરો સાથે બોલચાલ મામલે અભિષેક શર્માએ મેચ બાદ આપ્યો સડ્સડતો જવાબ