પાકિસ્તાનની બેશુમાર નાલેશી થઈ, હવે બુધવારે યુએઇ પણ નાક કાપશે?
ભારતીયોએ હાથ ન મિલાવ્યા અને હવે યુએઇની ટીમ પાકિસ્તાનીઓને બાય-બાય કરવાની ફરજ પાડી શકે

દુબઈઃ પાકિસ્તાન (PAKISTAN) ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ મુખ્ય ખેલાડીઓ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન વગરની બુઠ્ઠી ટીમને ટી-20 એશિયા કપમાં રમવા મોકલી છે, સલમાન આગાના સુકાનમાં ઘણા અજાણ્યા ખેલાડીઓ ધરાવતી પાકિસ્તાનની ટીમે શુક્રવારે ઓમાન જેવી ટચૂકડી ટીમની લડત જોયા પછી વિજય મેળવ્યો હતો, રવિવારે ભારત સામે દુશ્મન-દેશ સાત વિકેટે હારીને આબરૂ ગુમાવી, ભારતીય ટીમ સાથેના ` હૅન્ડશેક વિવાદ’માં પણ સમગ્ર પાકિસ્તાનની નામોશી થઈ અને હવે પાકિસ્તાની ટીમે એશિયા કપમાંથી બહાર થઈ જઈ જવું પડે એવો સમય પણ આવી ગયો છે. જો બુધવારે (રાત્રે 8.00 વાગ્યાથી) રમાનારી મૅચમાં પાકિસ્તાનનો યુએઇ સામે પરાજય થશે તો એશિયા કપ (ASIA CUP)માંથી ફેંકાઈ જશે.
યુએઇ હારશે તો રવિવારે ફરી ભારત-વિરુદ્ધ પાકિસ્તાન
પાકિસ્તાન જો બુધવારની મૅચમાં યુએઇ (UAE)ને હરાવશે તો ચાર પૉઇન્ટ સાથે ગ્રૂપ ` એ’માં ભારત પછી બીજા નંબર પર રહેશે અને રવિવારે ફરી (રાત્રે 8.00 વાગ્યાથી) ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે અને યુએઇની ટીમ ઓમાન સાથે સુપર-ફોર રાઉન્ડથી વંચિત રહી જશે.
ગયા બુધવારે ભારત સામે યુએઇનો નવ વિકેટે પરાજય થયો હતો, પરંતુ સોમવારે યુએઇએ ઓમાનને 42 રનથી હરાવીને સુપર-ફોર માટેની આશા જીવંત રાખી હતી. જોકે પૉઇન્ટ્સ-ટેબલમાં પાકિસ્તાન (+1.649)ની તુલનામાં યુએઇ (-2.030)નો રનરેટ ખરાબ છે, પરંતુ બુધવારે યુએઇ જીતશે તો ચાર પૉઇન્ટ સાથે સુપર-ફોરમાં પહોંચી જશે અને પાકિસ્તાન સ્પર્ધામાંથી આઉટ થઈ જશે. એ રીતે પાકિસ્તાન અને યુએઇ માટે બુધવારની મૅચ નૉકઆઉટ જેવી છે.
યુએઇએ ગયા પખવાડિયામાં ટક્કર આપી હતી
ગયા પખવાડિયે શારજાહની ટ્રાય-સિરીઝમાં પાકિસ્તાને બન્ને મૅચમાં યુએઇને હરાવ્યું હતું, પરંતુ એ બેઉ મૅચમાં અમુક તબક્કે યુએઇનો હાથ ઉપર હતો. ઉલ્લેખનીય છે કે મોટી ટૂર્નામેન્ટમાં આયરલૅન્ડ અને અમેરિકા જેવી નાની ટીમો સામે હારીને નાક કપાવી ચૂકેલા પાકિસ્તાનને બુધવારે યુએઇ પણ હરાવી જાય તો નવાઈ નહીં લાગે. મુહમ્મદ વસીમ યુએઇનો અને સલમાન આગા પાકિસ્તાનનો કૅપ્ટન છે. યુએઇની ટીમમાં ઓપનર અલીશાન શરાફુ તથા વિકેટકીપર રાહુલ ચોપરા તથા હૈદર અલી તેમ જ જુનૈદ સિદ્દીકી જેવા જાણીતા ખેલાડીઓ છે.