નઝર હટી, દુર્ઘટના ઘટી: સૂર્યાના હાથે પાકિસ્તાનનો નવાઝ ઊંઘતો ઝડપાયો

દુબઈ: દુબઈમાં છેલ્લા આઠ દિવસથી એશિયા કપમાં ભારતને કારણે પાકિસ્તાનને માથે દશા બેઠી છે જેમાં પાકિસ્તાનીઓ એક પછી એક બ્લન્ડર, નાટક અને ફજેતાને કારણે આખી દુનિયામાં વગોવાઇ રહ્યા છે. રવિવારે પાકિસ્તાનના એક ખેલાડીની ઘટના એવી હતી જેમાં તેની મૂર્ખાઈ છતી થઈ ગઈ હતી.
મોહમ્મદ નવાઝ પોતાની જ બેવકૂફીને કારણે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવની જાળમાં ફસાઈ ગયો હતો.
પાકિસ્તાનની ઇનિંગ્સમાં 19મી ઓવર જસપ્રીત બુમરાહે કરી હતી. તે ત્રીજા બૉલમાં યોર્કરથી સુકાની સલમાન આગાને આઉટ કરવા માગતો હતો, પણ બુમરાહ (Bumrah)થી ફુલટૉસ પડી ગયો હતો અને સલમાને બૉલને મિડ-વિકેટ તરફ મોકલ્યો હતો.
સલમાન અને મોહમ્મદ નવાઝ (Nawaz) એક રન માટે દોડ્યા હતા. સલમાન તો નોન-સ્ટ્રાઈક એન્ડ પર બરાબર પહોંચી ગયો હતો, પરંતુ નવાઝ જાણે ગાર્ડનમાં ફરતો હોય એવી રીતે આરામથી સ્ટ્રાઈક એન્ડની ક્રીઝ તરફ જઈ રહ્યો હતો. તેનું દૂર ઊભેલા સૂર્યકુમાર (SURYAKUMAR) પર ધ્યાન જ નહોતું. આ બાજુ, બોલર બુમરાહને લાગ્યું કે નવાઝ તેની ક્રીઝમાં પહોંચી ગયો હશે એટલે તેણે ચોથા બૉલ માટે રનઅપ લેવાની શરૂઆત કરી દીધી હતી.
જોકે નવાઝ હજી ક્રીઝમાં નહોતો પહોંચ્યો અને સૂર્યકુમારને એ ધ્યાનમાં આવતાં જ તેણે દૂરથી સીધા થ્રોમાં બૉલ સીધો સ્ટમ્પ્સ પર ફેંક્યો હતો અને નવાઝ રનઆઉટ થઈ ગયો હતો.
નવાઝ સારું રમી રહ્યો હતો, પરંતુ 21 રનના પોતાના સ્કોર પર તે ઊંઘતો ઝડપાઈ ગયો હતો. સ્ટેડિયમમાં બેઠેલા પાકિસ્તાન તરફી પ્રેક્ષકો હતાશ થયા હતા, જ્યારે ભારત તરફી અસંખ્ય પ્રેક્ષકોએ નવાઝ પર હસીને તેની વિકેટને વધાવી લીધી હતી તેમ જ સૂર્યકુમારની સમજબૂઝને તાળીઓના ગડગડાટથી દાદ આપી હતી.
ભારતે પાકિસ્તાનને આ મૅચમાં સાત બૉલ અને છ વિકેટ બાકી રાખીને હરાવી દીધું હતું.