ભારતની ત્રીજી લપડાક ખાવા પાકિસ્તાન આવી ગયું ફાઇનલમાં

બાંગ્લાદેશના બોલરોની મહેનત પર બૅટ્સમેનોએ પાણી ફેરવ્યુંઃ પાકિસ્તાન લો-સ્કોરિંગ મુકાબલામાં જીત્યું
દુબઈઃ એશિયા કપના સુપર-ફોર રાઉન્ડમાં ગુરુવારે પાકિસ્તાન (20 ઓવરમાં 8/135) સામે બાંગ્લાદેશ (20 ઓવરમાં 9/124)નો માત્ર 11 રનથી પરાજય થયો હતો. શાહીન આફ્રિદી અને હારિસ રઉફે સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
બાંગ્લાદેશના બોલરોએ પાકિસ્તાનને 135 રન સુધી સીમિત રાખીને જે તનતોડ મહેનત કરી એના પર બાંગ્લાદેશના બૅટ્સમેનોએ સમયાંતરે વિકેટ ગુમાવતા રહીને પાણી ફેરવી દીધું. મિડલ-ઑર્ડરના શમીમ હોસૈન (પચીસ બૉલમાં બે સિક્સરની મદદથી 30 રન)નું યોગદાન ટીમમાં હાઈએસ્ટ હતું.
ક્રિકેટજગતમાં ચર્ચા છે કે આ એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રણ મૅચ રમાશે જ એ અગાઉથી જ નક્કી થઈ ગયું હશે. 14મી સપ્ટેમ્બર અને 21મી સપ્ટેમ્બરે ભારત સામે પાકિસ્તાને ઘૂંટણિયા ટેકવ્યા હતા. હવે રવિવાર, 28મીએ દુશ્મન-દેશ પાકિસ્તાનની ` બી’ ગે્રડની ટીમ સામે ભારતની ફરી એક મૅચ રમાશે. ભારતે આઇસીસીના નિયમને આધીન બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે રમવું જ પડે એમ હોવાને કારણે જ બીસીસીઆઇએ સરકારની મંજૂરી બાદ ભારતીય ટીમને એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવા મોકલી છે.
બાંગ્લાદેશે જે લક્ષ્યાંક (136 રન) 10 ઓવરમાં હાંસલ કરવાનું નક્કી કર્યું હશે એને બદલે 44 રનમાં ચાર વિકેટ પડી જતાં એની હાલત ગંભીર થઈ ગઈ હતી. પહેલી 10 ઓવરમાં (60 બૉલમાં) બાંગ્લાદેશે 58 રન બનાવ્યા હોવાથી એણે જીતવા બીજા 60 બૉલમાં 78 રન કરવાના બાકી હતા જે શક્ય હતું. ચાર વિકેટ પડી ચૂકી હોવા છતાં બાંગ્લાદેશ માટે વિજય બહુ મુશ્કેલ નહોતો. જોકે પાકિસ્તાનના બોલર્સે ગમે એમ કરીને ફાઇનલમાં પહોંચવાના મનસૂબા સાથે બાંગ્લાદેશને સ્પર્ધાની બહાર કરી દીધું.
એ પહેલાં, મુખ્ય કૅપ્ટન લિટન દાસ ઈજાને લીધે ફરી ન રમતાં કાર્યવાહક કૅપ્ટન અને વિકેટકીપર જાકર અલીએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. પાકિસ્તાનને પ્રથમ બૅટિંગ મળી જેમાં ખાસ કરીને બાંગ્લાદેશના સ્પિનર્સ (રિશાદ હોસૈન, મેહદી હસન) સામે આકરી કસોટી થઈ હતી. બન્ને સ્પિનરે બે-બે વિકેટ અને પેસ બોલર તાસ્કિન અહમદે ત્રણ વિકેટ લીધી હતી. એક વિકેટ મુસ્તફિઝુર રહમાનને મળી હતી.
ભારત કરતાં બાંગ્લાદેશે પાકિસ્તાનની બૂરી હાલત કરી હતી. રવિવારે ભારતીય ટીમ પાકિસ્તાનને બૅટિંગ આપી ત્યાર બાદ સલમાન આગાની ટીમ 5/171નો સ્કોર કરી શકી હતી, પણ ગુરુવારે બાંગ્લાદેશની અસરદાર બોલિંગ સામે પાકિસ્તાનીઓ 140 રન પણ નહોતા કરી શક્યા. 135 રનમાં ખાસ કરીને મોહમ્મદ હારિસના 31 રન, નવાઝના પચીસ રન અને આગા તથા આફ્રિદીના 19-19 રન સામેલ હતા. તાસ્કિન અહમદે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
પાકિસ્તાને પ્લેઇંગ-ઇલેવનમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. ભારત રવિવારની ફાઇનલમાં પહોંચી ગયું હોવાથી ગુરુવારની (પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની) આ મૅચમાં જીતનારી ટીમે ફાઇનલમાં ભારત સામે રમવું એ બુધવારે રાત્રે શ્રીલંકા આઉટ થઈ જતાં જ નક્કી થઈ ગયું હતું.
બાંગ્લાદેશના ખેલાડીઓ બૅક-ટુ-બૅક (બુધવારે અને ગુરુવારે) મૅચ રમ્યા. બુધવારે ભારત સામે તેમનો 41 રનથી પરાજય થયો હતો.