ભારત ફાઇનલ જીતશે તો પછીથી સ્ટેજ પર થોડો વિવાદ તો થશે જ!

દુબઈઃ એશિયા કપમાં ભારતે પાકિસ્તાન સામે દુબઈના મેદાન પર જંગ ન ખેલવો જોઈએ એવું અસંખ્ય ભારતીયો ઇચ્છતા હતા અને એવી ઇચ્છા રાખવામાં કંઈ ખોટું પણ નહોતું, પરંતુ એક નહીં, પણ બબ્બે જંગ થઈ ગયા (જેમાં ભારતે દુશ્મન-દેશની ટીમને કચડી નાખી) અને હવે રવિવારે (રાત્રે 8.00 વાગ્યાથી) ત્રીજો જંગ પણ થવાનો છે
જેમાં જો ભારત ચૅમ્પિયન બનશે તો ઇનામ-વિતરણ (prize distribution ceremony)ના સમારંભના સ્ટેજ પર થોડો વિવાદ થયા વિના નહીં રહે એવું માની શકાય.
ફરી એક વાત સ્પષ્ટ કરી દેવાની કે બહુરાષ્ટ્રીય સ્પર્ધામાં કોઈ પણ મેમ્બર રાષ્ટ્રએ દુશ્મન-દેશની ટીમ સામે પણ રમવું પડે એવા આઇસીસીના નિયમને આધીન રહીને જ ભારતે દુબઈના એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવું પડી રહ્યું છે અને હવે તો રવિવારે ફાઇનલ આવી ગઈ જેમાં બન્ને દેશ વચ્ચે હાઈ-પ્રોફાઇલ મુકાબલો તો થશે.
જો ભારત આ ફાઇનલ જીતીને ચૅમ્પિયન બનશે તો ચૅમ્પિયનની ટ્રોફી (TROPHY) એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચીફ મોહસિન નકવીના હાથે અપાશે કે નહીં? અને જો અપાશે તો ભારતીય ટીમ તેમના હાથે ટ્રોફી સ્વીકારશે કે નહીં? એ બે સવાલ ક્રિકેટ જગતમાં ખૂબ ચર્ચામાં છે. કોઈ વચલો રસ્તો નીકળે તો નવાઈ નહીં.
નકવી હાજર રહેશે? ભારતીયો સાથે હાથ મિલાવશે?
નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (pcb)ના ચીફ પણ છે અને 14મી સપ્ટેમ્બરની મૅચ પહેલાં ટૉસ વખતે થયેલા ` હૅન્ડશેક વિવાદ’માં નકવી (Naqvi) અને તેમના પીસીબીએ ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવને તેમ જ ભારતને અને ભારતીય ક્રિકેટ બોર્ડને ખોટી રીતે બદનામ કરવામાં કંઈ જ બાકી નહોતું રાખ્યું.
નકવી એવું પણ ઇચ્છતા હતા કે સૂર્યકુમારને રવિવારની પાકિસ્તાનની ફાઇનલમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. સૂર્યકુમારે 14મી સપ્ટેમ્બરની જીત પાકિસ્તાનને પાયમાલ કરી નાખનારા ભારતના સશસ્ત્ર દળોને સમર્પિત કરી હતી એટલે પીસીબીને પેટમાં દુખ્યું હતું અને નકવીના નેતૃત્વમાં પીસીબીએ સૂર્યકુમાર વિરુદ્ધ આઇસીસીના મૅચ રેફરીને ફરિયાદ કરી હતી કે સૂર્યકુમાર રાજનીતિ સંબંધિત કમેન્ટ ન કરી શકે. મૅચ રેફરીએ સૂર્યકુમારને 30 ટકા મૅચ ફીનો દંડ કર્યો છે, પરંતુ બીસીસીઆઇએ એ પગલાં સામે આઇસીસીમાં અપીલ કરી છે.
ક્રિકેટ બોર્ડના ચીફ ફાઇનલ જોવા આવે એમાં કોઈ નવી વાત નથી, પરંતુ વિવાદ એ થઈ શકે કે મોહસિન નકવી એસીસીના વડા છે અને એશિયા કપ એસીસીએ જ યોજ્યો હોવાથી નકવીએ ઇનામ-વિતરણ વખતે હાજર રહેવું જ પડશે. પ્રથા એવી છે કે આયોજક સંસ્થા (આ કિસ્સામાં એસીસી)ના ચીફ જ ચૅમ્પિયન ટીમને ટ્રોફી એનાયત કરે. એટલું જ નહીં, તેમણે વિજેતા ટીમના ખેલાડીઓ સાથે હાથ પણ મિલાવવા પડે.
ભારતની ` નો હૅન્ડશેક નીતિ’ છે
એશિયા કપમાં ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ કે કોચ કે પાકિસ્તાનની કોઈ પણ વ્યક્તિ સાથે હાથ ન મિલાવવાની નીતિ અપનાવી છે. જો ભારતીય ટીમ ચૅમ્પિયન બનશે તો સ્ટેજ પર મોહસિન નકવી સાથે કે બીજા કોઈ પણ પાકિસ્તાની અધિકારી સાથે હાથ ન મિલાવવાની સૂચના બીસીસીઆઇ ટીમ ઇન્ડિયાને આપશે એવી પાક્કી સંભાવના છે. ટૂર્નામેન્ટ સાથે સંકળાયેલા સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે કે હાલના તબક્કે નકવી શનિવારે સાંજે દુબઈ આવશે અને રવિવારે ચૅમ્પિયન ટીમને ટ્રોફી એનાયત કરશે.
માર્ચમાં પાકિસ્તાનના અધિકારીઓ ગાયબ હતા
યાદ છેને, માર્ચમાં (પહલગામ હુમલા પહેલાં) ભારતે દુબઈમાં રોહિત શર્માના સુકાનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી ત્યારે મોહસિન નકવી અને તેમના સાથીઓ ઇનામ વિતરણ સમારંભમાંથી ગાયબ હતા. તેઓ દુબઈ આવ્યા જ નહોતા. પાકિસ્તાન એ સ્પર્ધાનું મુખ્ય આયોજક હતું અને નકવીએ હાજર રહેવું પડે એમ હતું, પરંતુ તેઓ ભારતીય ટીમને ટ્રોફી આપવાનું ટાળવાના હેતુથી હાજર નહોતા.
આ પણ વાંચો…સુપર ઓવરના ડ્રામામાં શનાકાને રનઆઉટ કેમ નહોતો અપાયો?