પાકિસ્તાન સામેની મૅચના બહિષ્કારમાં આઇપીએલનું ફ્રૅન્ચાઇઝી પણ જોડાયું!

નવી દિલ્હીઃ એક તરફ ભારત રવિવાર, 14મી સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાન સામે ટી-20 એશિયા કપ (Asia cup)ના મુકાબલામાં ઊતરવાની તૈયારી કરી રહ્યું છે ત્યાં બીજી બાજુ આ મૅચને લઈને ભારતમાંથી જોરદાર વિરોધ થઈ રહ્યો છે જેમાં ભારતની જ જગવિખ્યાત ટૂર્નામેન્ટ આઇપીએલનું ફ્રૅન્ચાઇઝી પંજાબ કિંગ્સ (Punjab Kings) પણ બાકાત નથી એવું એક ઘટના પરથી લાગી રહ્યું છે.

ભારતમાં આતંકવાદને પાકિસ્તાન દાયકાઓથી પ્રોત્સાહન આપી રહ્યું છે અને હજી ત્રણ જ મહિના પહેલાં એની સામે યુદ્ધ થયું એમ છતાં એની સામે ક્રિકેટ-મૅચ રમવામાં આવી રહી હોવા સામેના વિરોધ તરીકે પંજાબ કિંગ્સે અનોખું વલણ અપનાવ્યું છે. સોશ્યલ મીડિયા પર આગામી મૅચો વિશેની જાહેરાતમાં પંજાબ કિંગ્સે પાકિસ્તાનનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે.
આ પણ વાંચો: પાકિસ્તાન સામે રમવા વિશે આઇપીએલના ચૅરમૅને મહત્ત્વનું નિવેદન આપ્યું
દુબઈની આ મૅચનો ભારતીય ટીમે બહિષ્કાર કરવો જોઈએ એ મુદ્દા પરની અરજી પર તાકીદે સુનાવણી રાખવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે ત્યાં પંજાબ કિંગ્સે નવતર પ્રયોગમાં જાણી જોઈને ભારતીય ટીમના આગામી હરીફ તરીકે પાકિસ્તાનનું નામ દર્શાવવાનું ટાળ્યું છે. લોકોની મોટા પ્રમાણમાં પ્રતિક્રિયાઓ આવતાં આ ફ્રૅન્ચાઇઝીએ એક્સ પર પોતાના હૅન્ડલ પર કમેન્ટ્સને ડિસઍબલ કરી દેવી પડી હતી.

દિલ્હીના દીપક મિશ્રા નામના શખસે એક કમેન્ટમાં લખ્યું છે કે ` પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો બહિષ્કાર કરવો હોય તો દ્વિપક્ષી સિરીઝ પૂરતો જ શા માટે, આઇસીસીની કે એસીસીની ટૂર્નામેન્ટમાં પણ કરો.’
ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાય ત્યારે કરોડો ક્રિકેટપ્રેમીઓ ઉપરાંત અન્ય ક્ષેત્રોના લોકો પણ પોતપોતાના રસ ખાતર એ મુકાબલા પર પૂરું ધ્યાન આપતા હોય છે.