પાકિસ્તાન સામે રમવા વિશે આઇપીએલના ચૅરમૅને મહત્ત્વનું નિવેદન આપ્યું | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025

પાકિસ્તાન સામે રમવા વિશે આઇપીએલના ચૅરમૅને મહત્ત્વનું નિવેદન આપ્યું

નવી દિલ્હીઃ આઇપીએલના ચૅરમૅન અરુણ ધુમાલે (Arun Dhumal) કહ્યું છે કે પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધો બાબતમાં બીસીસીઆઇ (BCCI) ચુસ્તપણે કેન્દ્ર સરકારના વલણને જ વળગી રહ્યું છે.

કાશ્મીરના પહલગામમાં 26 હિન્દુ સહેલાણીઓની હત્યા થયા બાદ ભારતભરમાં પાકિસ્તાન-વિરોધી અભિગમ રહ્યો હોવાને કારણે હવે એ જ દુશ્મન દેશ સામે ક્રિકેટ રમવાનો સમય આવી ગયો છે એટલે ભારતના અસંખ્ય લોકોમાં આ મૅચ બાબતમાં વિરોધનો સૂર છે અને પાકિસ્તાન (Pakistan) સામે ન જ રમવું જોઈએ એવું ઘણા કહી રહ્યા છે અને એને અનુલક્ષીને આઇપીએલના અધ્યક્ષે આ નિવેદન બહાર પાડ્યું છે.

મે મહિનામાં બન્ને દેશ વચ્ચે યુદ્ધ થયું ત્યાર પછી પહેલી જ વાર ભારત (India) અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મૅચ રમાવાની છે. આ મૅચ રવિવાર, 14મી સપ્ટેમ્બરે (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) દુબઈમાં એશિયા કપમાં રમાશે.

અરુણ ધુમાલે અહીં પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે ` કેન્દ્ર સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પાકિસ્તાન સામે ભારત દ્વિપક્ષી સિરીઝ નહીં રમે અને પાકિસ્તાન સામે ભારત માત્ર બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટોમાં જ રમશે. અમે સરકારની સૂચનાનું જ પાલન કરી રહ્યા છીએ.’

ભારત સરકારે રિયલ-મની ગૅમિંગ પર પ્રતિબંધ મૂકી દીધો હોવાથી બીસીસીઆઇના ટીમ ઇન્ડિયાના જર્સી-સ્પૉન્સર ડ્રીમ-11 સાથેના કરારનો અંત આવી ગયો છે. આ વિશે ધુમાલે કહ્યું, ` અમે નવા સ્પૉન્સર નક્કી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને બે-ત્રણ અઠવાડિયામાં એ વિશે બધાને જાણકારી મળી જશે.’

આપણ વાંચો:  T20 Asia Cup 2025: બાંગ્લાદેશે હરાવ્યું હોંગ કોંગને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button