જીતવું હોય તો બીજા લોકોનું બધુ ન સાંભળો, ઠીક લાગે એ જ વાત ધ્યાનમાં લોઃ સૂર્યકુમાર…

દુબઈઃ એશિયા કપ (Asia cup) ટી-20 સ્પર્ધામાં ભારતીય ટીમના સુકાની સૂર્યકુમાર યાદવે આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની બીજી મૅચ પહેલાંની પત્રકાર પરિષદમાં એક જર્નલિસ્ટના સવાલના ચતુરાઈભર્યા અને રમૂજી જવાબ આપ્યા હતા જેમાં તેણે કહ્યું હતું કે હું મારા સાથી ખેલાડીઓને કહેતો હોઉં છું કે તમારે બધાનું બધુ નહીં સાંભળવાનું, જે ઠીક લાગે એ જ ધ્યાનમાં લેવાનું અને આગળ વધવાનું.’
ભારતે આ ટૂર્નામેન્ટમાં 10મી સપ્ટેમ્બરે યુએઇ તેમ જ 14મીએ પાકિસ્તાનને સહેલાઈથી હરાવ્યું હતું, પરંતુ શુક્રવારે ઓમાન જેવી નવીસવી ટીમ સામે જીતતાં ભારતે સંઘર્ષ કરવો પડ્યો હતો. સૂર્યકુમાર (SURYAKUMAR)ને પાકિસ્તાન સામેની 21મી સપ્ટેમ્બરની મૅચની પૂર્વસંધ્યાએ પૂછવામાં આવ્યું કે આસપાસના લોકોના ઘણા સલાહ-સૂચનો આવતા હોય છે અને ટિપ્પણીઓ પણ ઘણી થતી રહેતી હોય છે એવામાં તમારો અભિગમ કેવો હોય છે?’ સૂર્યકુમારે કટાક્ષમાં કહ્યું, તમારો રૂમ (room) બંધ કરો, ફોન સ્વિચ-ઑફ કરો અને સૂઈ (sleep) જાઓ.’ તેનો આ ટૂંકો અને રમૂજી જવાબ સાંભળીને બધા હસી પડ્યા હતા.
જોકે સૂર્યકુમારે એ જ સવાલનો વિગતે જવાબ આપ્યો હતો. તેણે કહ્યું, ` જોકે મેં જે કંઈ કહ્યું એ દર વખતે શક્ય નથી હોતું. તમે ઘણા મિત્રોને મળતા હો અને ડિનર પર પણ જતા હો. મેં સાથીઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તમારે આ ટૂર્નામેન્ટમાં સારું રમવું હોય અને જીતતા રહીને આગળ વધવું હોય તો બધા જે કહેતા હોય એ સાંભળવાનું, ધ્યાનમાં લેવાનું બંધ કરો.
તમને તમારા માટે ઠીક લાગે જ એ જ વાત ધ્યાનમાં રાખો. હું એમ નથી કહેતો કે બધાનું સાંભળવાનું સાવ બંધ કરી દો. સારું લાગે એ જ લક્ષમાં લો. ક્યારેક કોઈકની સલાહ સારી અને સાચી હોય જે તમને કામ લાગી શકે. બાકી તો, મને લાગે છે કે બધા બહુ સમજદાર છે જ.’
સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતીય ટીમ 80 ટકાથી વધુ ટી-20 મૅચ જીતી છે. રવિવાર, 14મી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેના વિજય બાદ સૂર્યાના નેતૃત્વમાં તમામ ભારતીય ખેલાડીઓએ એ જીત પહલગામમાં આતંકવાદીઓના હુમલામાં શહીદ થયેલા હિન્દુ સહેલાણીઓને અર્પણ કરી હતી.
આ પણ વાંચો…IND vs PAK : આ બે બોલરોને ટીમમાં સ્થાન નહીં મળે, ભારતની સંભવિત પ્લેઇંગ-11