ભારતની જીત માટે બિહારમાં હવન, ઠેર-ઠેર પૂજા અને પ્રાર્થના | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025

ભારતની જીત માટે બિહારમાં હવન, ઠેર-ઠેર પૂજા અને પ્રાર્થના

પટનાઃ હુમલા કરાવવા માટે આતંકવાદીઓને ભારત મોકલવાની દાયકાઓથી અપપ્રવૃત્તિ કરતા પાકિસ્તાન (Pakistan) સામેની આજની ફાઇનલ પહેલાં ભારતમાં લોકોએ ટીમ ઇન્ડિયા (Team India)ના વિજય માટે પ્રાર્થના કરી છે ત્યારે અમુક કિસ્સામાં પૂજા-હવન પણ રાખવામાં આવ્યા છે. બિહારની રાજધાની પટનામાં રવિવારે ક્રિકેટપ્રેમીઓએ હવન (Havan)નું આયોજન કર્યું હતું.

એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં પહેલી જ વખત ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલ રમાઈ રહી છે. સમાચાર સંસ્થા એએનઆઇ દ્વારા ` એક્સ’ પર શૅર કરવામાં આવેલા વીડિયોમાં ક્રિકેટપ્રેમી ભક્તોને આરતી કરી રહેલા બતાવવામાં આવ્યા છે. આ ક્રિકેટ ચાહકોના હાથમાં સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલના પોસ્ટર જોવા મળ્યા હતા. બીજા પોસ્ટરમાં સૂર્યકુમાર અને પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગાના ફોટો વચ્ચે ટ્રોફી બતાવવામાં આવી હતી.

પટનામાં આ હવન શિવ મંદિરમાં કરવામાં આવ્યું હતું. સૂર્યકુમાર યાદવ અને તેના સાથી ખેલાડીઓની સફળતા માટે કરવામાં આવેલા આ હવન દરમ્યાન ક્રિકેટ ચાહકોએ હાથમાં ભારતીય ક્રિકેટરોની તસવીરો રાખી હતી તેમ જ બૅટ પણ બતાવ્યા હતા. એક સપોર્ટરે હેલ્મેટ પણ પહેરી હતી.

કાનપુરમાં પણ ભારતીય ટીમની સફળતા માટે પૂજા રાખવામાં આવી હતી અને એ દરમ્યાન એક સપોર્ટરે જણાવ્યું હતું કે ` ભારત એવી રીતે જીતશે કે ત્રીજી પછડાટ ખાનાર પાકિસ્તાને ભારતની માફી માગવી પડશે.’

ઓડિશામાં જાણીતા શિલ્પકાર સુદર્શન પટનાઇકે માટીથી મા દુર્ગાની જે મૂર્તિ બનાવી એની સાથે તેમણે ભારતીય ટીમની સફળતા માટે પ્રાર્થના કરતું સુવાક્ય પણ લખ્યું હતું.

ગ્વાલિયરમાં એક ક્રિકેટપ્રેમી જૂથે વંદે માતરમ' અને ભારત માતા કી જય’ના સૂત્રો પોકારીને ટીમ ઇન્ડિયાની સફળતા માટે પ્રાર્થના કરી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button