બાંગ્લાદેશ પણ ભારતનો મિત્ર-દેશ નથી, બુધવારે એને પણ પરાજયનો પાઠ ભણાવો

દુબઈઃ સામાન્ય રીતે કોઈ પણ દેશ ઇચ્છે કે એનો પાડોશી દેશ એની સાથે સારા સંબંધો રાખે, પરંતુ વર્ષોના દુશ્મન-દેશ પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશે પણ થોડા મહિનાઓથી ભારત સાથેના રાજકીય ક્ષેત્રે સંબંધો બગાડ્યા છે અને એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને બે પછડાટ આપી ત્યાર બાદ હવે બુધવારે બાંગ્લાદેશને પણ મજા ચખાડવા ટીમ ઇન્ડિયા (team india)એ મોકો ન છોડવો જોઈએ.
ઑગસ્ટમાં બાંગ્લાદેશ (Bangladesh) સામે ભારતની ટેસ્ટ-શ્રેણી રમાવાની હતી, પણ બાંગ્લાદેશમાં રાજકીય ક્રાંતિ આવી અને ત્યાંની પ્રજામાં મોટા ભાગના લોકોનો ભારત-વિરોધી અભિગમ રહ્યો હોવાથી બીસીસીઆઇએ નક્કી કર્યું કે 2026માં બાંગ્લાદેશમાં ચૂંટણી પછી પરિસ્થિતિ સુધરે ત્યારે જ એને ત્યાં સિરીઝ રમવા ભારતીય ટીમને મોકલવામાં આવશે.
પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશની ટીમની પણ ભારત સામે કોઈ વિસાત નથી. બન્ને દેશ વચ્ચે 17 ટી-20 મુકાબલા થયા છે, જેમાંથી ભારત 16 જીત્યું છે અને એક જ હાર્યું છે.
વિકેટકીપર લિટન દાસના સુકાનમાં બાંગ્લાદેશની ટીમ સામે ભારત બુધવારની મૅચ જીતવા માટે ફેવરિટ છે, પણ શ્રીલંકાને સુપર-ફોરના રોમાંચક મુકાબલામાં હરાવ્યું એટલે બાંગ્લાદેશ હવે ભારતને પરાજિત કરવાના મનસૂબા સાથે મેદાન પર ઊતરશે.
બન્ને દેશની સંભવિત પ્લેઇંગ-ઇલેવન
ભારતઃ સૂર્યકુમાર (કૅપ્ટન), અભિષેક, ગિલ, તિલક, સૅમસન (વિકેટકીપર), શિવમ, હાર્દિક, અક્ષર, કુલદીપ, બુમરાહ અને વરુણ.
બાંગ્લાદેશઃ લિટન દાસ (કૅપ્ટન, વિકેટકીપર), સૈફ હુસેન, તેન્ઝિદ હસન, તૌહિદ રિદોય, જાકર અલી, શમીમ હોસૈન, મેહદી હસન, નસુમ અહમદ, તાસ્કિન અહમદ, તેન્ઝિમ હસન અને મુસ્તફિઝુર.