શૉકિંગઃ ભારત-પાકિસ્તાન મૅચની અમુક ટિકિટો હજી નથી વેચાઈ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાવાની હોવાની જાહેરાત થાય એ સાથે અસંખ્ય ક્રિકેટપ્રેમીઓ એ મુકાબલામાં ટિકિટો (tickets) પોતાના કબજામાં લેવા કોઈ મોકો નથી છોડતા અને જોતજોતામાં બધી ટિકિટો વેચાઈ જાય છે, પરંતુ યુએઇમાં ચાલી રહેલા ટી-20ના એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મૅચને માંડ ત્રણ દિવસ બાકી છે ત્યારે આ હાઈ-વૉલ્ટેજ મુકાબલાની કેટલીક ટિકિટો હજી વેચાઈ નથી.
ભારત-પાકિસ્તાન મૅચ રવિવાર, 14મી સપ્ટેમ્બરે દુબઈમાં ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી રમાવાની છે. ભારત (india)ની ત્રીજી લીગ મૅચ ઓમાન સામે રમાશે. પાકિસ્તાન (Pakistan) સામે ભારતીય ટીમે ન રમવું જોઈએ એવી માગણી ભારતમાં થઈ રહી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચની ટિકિટો તો ચપોચપ વેચાઈ જતી હોય છે, આ મૅચ વખતે ક્રાઉડને કાબૂમાં રાખવાનું કામ આયોજકો માટે માથાના દુખાવો સમાન થઈ જાય છે. જોકે રવિવારની મૅચની અમુક ટિકિટો ઊંચા ભાવની હોવાથી એ બધી ટિકિટો હજી વેચાઈ નથી એવું બુધવારે સાંજે મળેલા અહેવાલમાં જણાવાયું હતું.
ઊંચા ભાવની ટિકિટઃ
વીઆઇપી સ્વિટ ઈસ્ટઃ (બે ટિકિટના) 2,57,815 રૂપિયા. આ ટિકિટ લેનારને મળનારા બીજા લાભોમાં આઇસલ સીટિંગ, અમર્યાદિત ભોજન તથા ડ્રિન્ક્સ, લાઉન્જ ઍક્સેસ, પ્રાઇવેટ એન્ટ્રી અને પૂર્ણ સુવિધાવાળા રેસ્ટ રૂમનો સમાવેશ છે.
રૉયલ બૉક્સઃ (બે વ્યક્તિ માટે) 2,30,700 રૂપિયા
સ્કાય બૉક્સ ઈસ્ટઃ (બે વ્યક્તિ માટે) 1,67,815 રૂપિયા
પ્લેટિનમઃ 75,659 રૂપિયા
ગૅ્રન્ડ લાઉન્જઃ 41,153 રૂપિયા
જનરલ ઈસ્ટઃ (બે વ્યક્તિ માટે) 10,000 રૂપિયા